ગરીબો લોન ચૂકવવામાં સૌથી પ્રામાણિક : ચિદમ્બરમ

24 October, 2012 02:51 AM IST  | 

ગરીબો લોન ચૂકવવામાં સૌથી પ્રામાણિક : ચિદમ્બરમ



કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ગઈ કાલે બૅન્કો તથા નાણાકીય સંસ્થાઓને ગરીબોને લોન આપવામાં આનાકાની ન કરવાની સલાહ આપતાં કહ્યું હતું કે ભારતમાં ગરીબ માણસો લોનની રકમ પાછી ચૂકવવામાં સૌથી ઈમાનદાર હોય છે અને ભાગ્યે જ ડિફૉલ્ટર થતા હોય છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમ્યાન ચિદમ્બરમે આ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતના ગરીબો નૈતિક રીતે પ્રામાણિક હોય છે એટલે તેમને સરળતાથી ધિરાણ મળવું જોઈએ. ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે કૉર્પોરેટ કંપનીઓને ૧૦૦૦ કરોડ રૂપિયાની લોન પણ આસાનીથી મળી જતી હોય છે, પણ ગરીબોને લોન મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે.

નાણાપ્રધાને કહ્યું હતું કે ‘મોટી કંપનીઓને આસાનીથી કરોડો રૂપિયાની લોન મળતી હોય છે અને આ કંપનીઓ લોનની રકમ ચૂકવતી પણ નથી હોતી. હકીકત એ છે કે જો તમે ગરીબ હો તો લોન મેળવવા તમારે બૅન્ક પાસે જવું પડે છે, પણ જો તમે કૉર્પોરેટ કંપનીના માલિક હો તો (લોન આપવા) બૅન્ક તમારી પાસે આવતી હોય છે. જો કૉર્પોરેટ કંપની લોન ચૂકવવામાં નિષ્ફળ નીવડે તો બૅન્કને પરિણામ ભોગવવાં પડે છે, જ્યારે ગરીબ માણસોએ નાની રકમની લોન પણ ઊંચા વ્યાજે લેવી પડે છે અને તે હંમેશાં લોન ચૂકવવામાં કાળજી રાખે છે કારણ તેને ખબર છે કે જો સહેજ પણ ચૂક થશે તો તેને બીજી વખત લોન નહીં મળે.’

શ્રીરામ સિટી યુનિયન ફાઇનૅન્સ નામની ફાઇનૅન્સ કંપનીનો  સોશ્યલ ઑડિટ રિપોર્ટ જાહેર કરતી વખતે નાણાપ્રધાન આમ આદમીની પીડાને વાચા આપી હતી.