રેલવેએ સંસદસભ્ય પૂનમ મહાજન માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવી?

03 June, 2016 03:47 AM IST  | 

રેલવેએ સંસદસભ્ય પૂનમ મહાજન માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવી?



મુંબઈમાંથી ચૂંટાઈ આવેલાં BJPનાં સંસદસભ્ય પૂનમ મહાજન ખોટાં કારણોસર સમાચારમાં છે. તેઓ મધ્ય પ્રદેશની મુલાકાતે ગયાં હતાં અને ત્યાંથી પાછા ફરતી વખતે ફ્લાઇટ મિસ ન થાય એ માટે રેલવેએ તેમના માટે બીનાથી ભોપાલ સુધી એક સ્પેશ્યલ ટ્રેન દોડાવી હતી એવો આક્ષેપ થઈ રહ્યો છે.

રેલવેના કાયદા પ્રમાણે સંસદસભ્યો માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવાની કોઈ જોગવાઈ નથી. આમ છતાં રેલવેએ પૂનમ મહાજનને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે વેસ્ટર્ન-સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર રમેશ ચંદ્રએ કહ્યું હતું કે જે સમાચાર આવ્યા છે એ તદ્દન ખોટા છે અને પૂનમ મહાજનને આવી કોઈ VIP ટ્રીટમેન્ટ આપવામાં નથી આવી.

સ્થાનિક છાપાંઓમાં જે સમાચાર પ્રકાશિત થયા હતા એ અનુસાર પૂનમ મહાજન મંગળવારે બીનાથી ભોપાલ પાસેના સુખી સેવાનિયા સ્ટેશને એક સ્પેશ્યલ ટ્રેનમાં માત્ર ૯૦ મિનિટમાં આવ્યાં હતાં. તેમની ટ્રેન ઝડપથી પહોંચે એ માટે અનેક ટ્રેનોને રસ્તામાં અટકાવવામાં પણ આવી હતી.

વેસ્ટર્ન-સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર રમેશ ચંદ્રએ કહ્યું હતું કે ‘કાયદા પ્રમાણે સ્પેશ્યલ ટ્રેન રાજ્યકક્ષાના રેલવેપ્રધાન મનોજ સિંહા માટે સાગર જિલ્લામાં મોકલવામાં આવી હતી અને ત્યાં પૂનમ મહાજન પણ હાજર હતાં. મનોજ સિંહા આ સ્પેશ્યલ ટ્રેનમાં ત્યાંથી ભોપાલ આવવાના હતા, પણ તેમનો પ્રોગ્રામ કૅન્સલ થતાં આ સ્પેશ્યલ ટ્રેન આમ પણ ભોપાલ પાછી રવાના થવાની હતી એટલે પૂનમ મહાજન આ ટ્રેનમાં બેસી ગયાં હતાં. આ માત્ર એક યોગાનુયોગ હતો.’

વિવાદની આ તકને મધ્ય પ્રદેશ કૉન્ગ્રેસે તરત જ ઝડપી લીધી હતી અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી કરી હતી. પ્રવક્તાએ કહ્યું હતું કે ‘પૂનમ મહાજન ટિકિટ લઈને ટ્રેનમાં બેઠાં હતાં કે કેમ એની તપાસ હવે કરવાની જરૂર છે. જો તેઓ ખુદાબક્ષ મુસાફર હોય તો તેમની સામે નિયમ પ્રમાણે કાનૂની કાર્યવાહી થવી જોઈએ.’