પોલીસે દરોડા પાડીને ૧૨ જેટલા શંકાસ્પદ લોકોની ધરપકડ કરી

05 July, 2020 03:27 PM IST  |  Mumbai | Agencies

પોલીસે દરોડા પાડીને ૧૨ જેટલા શંકાસ્પદ લોકોની ધરપકડ કરી

લે લેતો જા : કાનપુરમાં આઠ પોલીસની શહીદી માટે કારણભૂત ગૅન્ગસ્ટર વિકાસ દુબેના ઘર અને કાર્સ પર પોલીસે ગઈ કાલે રીતસરનું બુલડૉઝર ફેરવી દીધું હતું. તસવીર : પી.ટી.આઈ.

કાનપુરમાં અથડામણ દરમ્યાન આઠ પોલીસ કર્મચારીની હત્યા માટે જવાબદાર કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેની જાણકારી આપનારાને ૫૦,૦૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કાનપુરના આઇજી મોહિત અગ્રવાલે શુક્રવારે આ ઇનામની જાહેરાત કરી હતી. હાલ વિકાસ દુબેનું પગેરું મેળવવા અનેક લોકોની ગહન પૂછપરછ ચાલી રહી છે અને મોહિત અગ્રવાલે વિકાસનું ઠેકાણું જણાવનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે તેની ખાતરી આપી છે.
કાનપુરમાં ચૌબેપુર અંતર્ગતના જે થાણા ક્ષેત્રમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના માણસોએ આઠ પોલીસ કર્મચારીની હત્યા કરી તે થાણામાં વિકાસ વિરુદ્ધ ૬૦ જેટલા કેસ નોંધાયેલા છે. કાનપુર ખાતેની આ અથડામણ બાદ વિકાસ દુબે યુપી પોલીસ માટે મોસ્ટ વૉન્ટેડ આરોપી બની ગયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશ પોલીસ માટે મોસ્ટ વૉન્ટેડ બની ગયેલા વિકાસ દુબેને શોધવા માટે પોલીસ આખી રાત દરોડા પાડતી રહી. બીજી તરફ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનના એક પોલીસે જ વિકાસ દુબેને પોલીસ દરોડા પાડવા માટે આવવાના હોવાની માહિતી આપી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે વિકાસ દુબેના ફોન કૉલ ડિટેલમાં કેટલાક પોલીસવાળાઓના નંબર પણ હોવાનો ખુલાસો થયો છે જે અત્યંત આશ્ચર્ય પમાડનારી હકીકત છે. પોલીસે રાત દરમ્યાન જે-જે લોકોના ઘરે દરોડા પાડ્યા હતા તે તમામ વિકાસના પરિવાર અને મિત્રોના ઘર હતા.

ચૌબેપુર એસઓ વિનય તિવારી સસ્પેન્ડ

કાનપુર ઘર્ષણ કેસમાં ચૌબેપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિનય તિવારીને આઇજી મોહિત અગ્રવાલે સસ્પેન્ડ કરી દીધો છે. કાનપુરના ચૌબેપુરમાં થયેલા ઘર્ષણ મુદ્દે એસઓ વિનય તિવારીની ભૂમિકા શંકાસ્પદ રહી હતી. આઇજીએ કહ્યું કે શંકાસ્પદ ભૂમિકા તપાસમાં સામે આવી છે, આ અંગે કેસ પણ દાખલ થશે અને જરૂર પડ્યે જેલ ભેગો પણ કરવામાં આવશે. ચૌબેપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિનય તિવારીની એસટીએફ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. તિવારી પર ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. પુષ્પરાજસિંહને ચૌબેપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

national news