શ્રીનગરમાં DSPની બર્બર હત્યા ચીફ મિનિસ્ટરની ચેતવણી

24 June, 2017 03:47 AM IST  | 

શ્રીનગરમાં DSPની બર્બર હત્યા ચીફ મિનિસ્ટરની ચેતવણી

શ્રીનગરની ઐતિહાસિક જામિયા મસ્જિદની બહાર એક પોલીસ-અમલદારને લોકોના ટોળાએ માર મારીને ખતમ કરી નાખ્યા હતા. ગુરુવારે રાતે સાડાબાર વાગ્યે જામિયા મસ્જિદ પાસે DSP મોહમ્મદ અયુબ પંડિત પર હુમલો કરવામાં આવ્યો હતો. DSPએ હુમલો કરતા ટોળા સામે સર્વિસ પિસ્તોલમાંથી કરેલા ગોળીબારમાં ત્રણ જણ ઈજા પામ્યા હતા.

જામિયા મસ્જિદ પાસે ડ્યુટી માટે ઊભા રહેલા DSP મોહમ્મદ અયુબ પંડિત એ મસ્જિદમાં શબ-એ-કદ્રની નમાઝ પઢીને બહાર નીકળતા લોકોના ફોટોગ્રાફ્સ ક્લિક કરતા હોવાનું કહેવાય છે. DSPને ફોટોગ્રાફ્સ લેતા જોઈને રોષે ભરાયેલી પબ્લિકે તેમને નિર્વસ્ત્ર કરીને લાતો અને મુક્કા ઉપરાંત પથ્થર પણ માર્યા પછી તેઓ મૃત્યુ પામ્યા હતા.

DGP એસ. પી. વૈદે ઘટનાને કમનસીબીભરી ગણાવતાં જણાવ્યું હતું કે ‘જામિયા શબ-એ-કદ્રની નમાઝ વેળા તોફાનીઓ વાતાવરણ દૂષિત ન કરે એની તકેદારી રાખીને શાંતિ જાળવવા ઍક્સેસ કન્ટ્રોલની ડ્યુટી DSPને સોંપવામાં આવી હતી. જોકે જેમની સલામતી માટે તેમને ત્યાં તહેનાત કરવામાં આવ્યા હતા એ જ લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. તેઓ ઍક્સેસ કન્ટ્રોલ ચેક કરીને મસ્જિદની બહાર આવતા હતા ત્યારે સૂત્રોચ્ચાર કરતા ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. ત્યાર પછી તોફાની ટોળાએ તેમના વિસ્તારની સિક્યૉરિટી માટેની પોલીસ-ચોકીઓની તોડફોડ કરી હતી. પરિસ્થિતિ અંકુશમાં લેવા માટે વધુ પોલીસદળોને ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યાં હતાં.’

કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ જામિયા મસ્જિદને આંગણે રક્ષણ માટે ઊભેલા DSP પર જીવલેણ હુમલાને શરમજનક ગણાવ્યો હતો. તેમણે રાજ્યના લોકોને ચેતવણી આપી હતી કે ‘પોલીસના સંયમનું આવું પરિણામ આવવાનું હોય તો ભવિષ્યમાં ઘણી મુશ્કેલી ઊભી થશે. લોકો પોલીસની જીપ જોઈને નાસભાગ કરતા હતા એ સ્થિતિનું પુનરાવર્તન જોવા મળશે.’

મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તી પછીથી DSPના જનાજામાં પણ સામેલ થયાં હતાં.