આતંકવાદની રસોઈ, સિલિન્ડર બ્લાસ્ટ બાદ હવે કુકર-વિસ્ફોટ

21 November, 2022 10:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કર્ણાટકના મૅન્ગલોરમાં શનિવારે ઑટોરિક્ષામાં પ્રેશર-કુકર બ્લાસ્ટ અને ૨૩ ઑક્ટોબરે કોઇમ્બતુરમાં થયેલા સિલિન્ડર-બ્લાસ્ટ વચ્ચે અનેક સમાનતા હોવાનું પોલીસ-તપાસમાં બહાર આવ્યું , એક જ આતંકવાદી જૂથ સંડોવાયેલું હોવાની શક્યતા

કર્ણાટકના મૅન્ગલોરમાં શનિવારે ઑટોરિક્ષામાં બ્લાસ્ટ બાદ પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે

કર્ણાટકના મૅન્ગલોરમાં શનિવારે ઑટોરિક્ષામાં બ્લાસ્ટ થયો હતો. હવે રાજ્યના પોલીસ વડાએ ગઈ કાલે જણાવ્યું હતું કે એ એક અકસ્માત નહોતો, પરંતુ ગંભીર નુકસાન પહોંચાડવાના બદઇરાદાથી કરવામાં આવેલું આતંકવાદી કૃત્ય હતું. કર્ણાટકના પોલીસ વડા પ્રવીણ સૂદે વધુ જણાવ્યું હતું કે પોલીસ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આ ઘટનાની તપાસ કરી રહી છે.

કર્ણાટકના ગૃહપ્રધાન અરાગા જનેન્દ્રે પણ જણાવ્યું હતું કે ‘બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ હજી બોલી શકવાની સ્થિતિમાં નથી. પોલીસ ટીમ તમામ માહિતી એકત્ર કરી રહી છે. તપાસમાં શરૂઆતના સંકેત આતંકવાદી ગતિવિધિ હોવાનું સૂચવે છે. અમે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને એના વિશે જાણ કરી છે.’

પોલીસને ઑટોરિક્ષામાંથી બૅટરી સાથેનું સળગેલું એક પ્રેશર-કુકર મળ્યું હતું. સૂદે કહ્યું હતું કે ‘મુખ્ય આરોપી ઑટોનો પૅસેન્જર છે. એ પૅસેન્જરની પાસે આધાર કાર્ડ હતું. બાદમાં એ હુબલીના એક માણસનું હોવાની જાણ થઈ હતી. આધાર કાર્ડ પર ફોટો તેનો હોવાનું જણાતું હતું, પરંતુ એ તેનો ફોટો નહોતો. એનાથી સારી રીતે ખ્યાલ આવે છે કે તે કોઈને ટાર્ગેટ કરવા પ્લાનિંગ કરી રહ્યો હતો. જોકે તેના ટાર્ગેટ વિશે અમને ખાતરી નથી. અમે તાજેતરમાં કોઇમ્બતુરમાં થયેલા બ્લાસ્ટમાં તેના કનેક્શનની શક્યતા પણ ફગાવતા નથી.’  

જ્યાં કન્સ્ટ્રક્શન કામગીરી ચાલી રહી હતી એવા એક બિલ્ડિંગની પાસે ઑટોરિક્ષામાં બ્લાસ્ટ થતાં એના ડ્રાઇવર અને એક પૅસેન્જરને ઈજા થઈ હતી.

હવે કાવતરું ઘડવાથી લઈને એને અંજામ આપવા સુધી શનિવારે મૅન્ગલોરમાં કુકર-બ્લાસ્ટ તેમ જ ૨૩ ઑક્ટોબરે કોઇમ્બતુરમાં થયેલા સિલિન્ડર-બ્લાસ્ટ વચ્ચે અનેક સમાનતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને ઘટનાસ્થળેથી મહત્ત્વના પુરાવા મળ્યા છે કે જેનાથી ખ્યાલ આવે છે કે કોઇમ્બતૂર અને મૅન્ગલોર બ્લાસ્ટ્સમાં એક જ આતંકવાદી જૂથ સંડોવાયેલું છે. દરમ્યાનમાં ઑટોરિક્ષા બ્લાસ્ટમાં સંડોવાયેલા શારીકના ઘરે ગઈ કાલે સાંજે દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આતંકવાદ સાથેની તેની કડી વિશે ખ્યાલ આવ્યો છે. 

રેલવે કર્મચારીનું આધાર કાર્ડ ખોવાયું, બ્લાસ્ટના સ્થળે મળ્યું

કર્ણાટક પોલીસે આ ઑટોરિક્ષા બ્લાસ્ટમાં આરોપી દ્વારા જેની ઓળખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ વ્યક્તિને શોધી નાખ્યો હતો. ઑટોમાં ટ્રાવેલિંગ કરનારા આ આરોપીએ બીજી વ્યક્તિના આઇડેન્ટિટીની ચોરી કરી હતી કે જે કર્ણાટકના હુબલી જિલ્લામાં રહે છે. ઇન્ડિયન રેલવેઝના બૅન્ગલોર ડિવિઝનમાં રેલવેના કર્મચારી પ્રેમરાજ હુતાગીની ઓળખનો આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રેમરાજનું આધાર કાર્ડ છેલ્લાં બે વર્ષમાં બે વખત ખોવાયું હતું, પરંતુ ક્યાં ખોવાયું હતું એ બાબતે તેને ખાતરી નથી. તેણે કહ્યું હતું કે ‘મને એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો કૉલ આવ્યો હતો. તેણે મને પૂછ્યું હતું કે મારું આધાર કાર્ડ ક્યાં ખોવાઈ ગયું છે. તેમણે મને મારા પેરન્ટ્સ વિશે પણ સવાલ કર્યો હતો. મેં મારા ફોટોગ્રાફ સહિત તમામ માહિતી આપી હતી.’ તેણે વધુમાં કહ્યું હતું કે ‘આ બ્લાસ્ટની સાથે મારું કોઈ જ કનેક્શન નથી. પોલીસે મને એના વિશે જણાવ્યું ત્યારે જ મને આ ઘટનાની ખબર પડી હતી. તેમણે કહ્યું હતું કે તેમને મારું આધાર કાર્ડ મળ્યું હતું. મારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોવાની વાત સાચી છે, પરંતુ એ મૅન્ગલોરમાં ખોવાયું નહોતું. હું તપાસમાં સહકાર આપી રહ્યો છું.’

national news karnataka coimbatore