દિલ્હીના એક પોલીસની ટકોરને પગલે વડા પ્રધાનની સિક્યૉરિટીમાં ઘટાડો કરવામાં આવશે

09 October, 2014 05:24 AM IST  | 

દિલ્હીના એક પોલીસની ટકોરને પગલે વડા પ્રધાનની સિક્યૉરિટીમાં ઘટાડો કરવામાં આવશે




દિલ્હીના એક પોલીસ-કૉન્સ્ટેબલના નિખાલસ તથા બહાદુરીભર્યા જવાબને પગલે વડા પ્રધાનના કાર્યાલયને નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય રાજધાનીમાંની મૂવમેન્ટ વખતે ગોઠવવામાં આવતા ૫૦૦ સલામતી જવાનોની સંખ્યા બાબતે પુનર્વિચાર કરવાની ફરજ પડી છે.

બીજી ઑક્ટોબરે ‘સ્વચ્છ ભારત મિશન’ના પ્રારંભે વડા પ્રધાન મોદીએ મંદિરમાર્ગ પોલીસ-સ્ટેશનનો પાર્કિંગ એરિયા સાફ કરવા માટે ઝાડુ હાથમાં લીધું હતું. એ વખતે તેમણે સ્થાનિક પોલીસ-કર્મચારીઓને સવાલ કર્યો હતો કે તમે તમારા કામના સ્થળને સાફ કેમ નથી રાખતા? રામકુમાર (નામ બદલ્યું છે) નામના એક પોલીસ-કૉન્સ્ટેબલે જવાબમાં કહ્યું હતું કે ‘અમારા પૈકીના મોટા ભાગના તમારા રૂટની સિક્યૉરિટીમાં વ્યસ્ત રહે છે. એથી બીજું કંઈ કરવાનો ટાઇમ નથી મળતો.’

આ જવાબ સાંભળીને મોદી તરત રાજઘાટ જવા રવાના થઈ ગયા હતા.

નવી ગાઇડલાઇન્સ

રામકુમારના જવાબથી વિચારતા થઈ ગયા હોય એમ વડા પ્રધાનના કાર્યાલયે મોદીની સુરક્ષાવ્યવસ્થા માટેની નવી ગાઇડલાઇન્સ ત્રીજી ઑક્ટોબરથી અમલી બનાવી હતી. શહેરને અભેદ્ય કિલ્લો બનાવવાને બદલે જરૂરી હોય તેટલા રક્ષકો જ વડા પ્રધાનની સિક્યૉરિટી માટે ગોઠવવાનો આદેશ આ ગાઇડલાઇન્સમાં સ્પષ્ટપણે આપવામાં આવ્યો છે, તેમ એક સિનિયર પોલીસ-અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું.

સામાન્યજનની મુશ્કેલી

કોઈ VIP શહેરના માર્ગો પરથી પસાર થવાના હોય ત્યારે સામાન્ય લોકોએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એનો મોદીને જાતઅનુભવ છે. સર્જરી બાદ સાજા થઈ રહેલા નાણાપ્રધાન અરુણ જેટલીની ખબર કાઢવા મોદી સાકેત વિસ્તારમાંની એક હૉસ્પિટલમાં ગયા ત્યારે કેટલાક રૂટ્સ બંધ કરવામાં આવતાં દક્ષિણ દિલ્હીનો ટ્રાફિક કલાકો સુધી ખોરવાઈ ગયો હતો.

બે રૂટની વ્યવસ્થા

વડા પ્રધાન પસાર થવાના હોય એ રસ્તા પર સામેની બાજુએથી આવતા ટ્રાફિકને નહીં અટકાવવાનું વડા પ્રધાનના કાર્યાલયે નવા આદેશમાં દિલ્હી પોલીસને જણાવ્યું છે. પોલીસ વડા પ્રધાન માટે અગાઉ એક રૂટ પર સલામતીની વ્યવસ્થા કરતી હતી, પણ હવે બે રૂટ્સનો ઉપયોગ શરૂ કર્યો છે. બેમાંથી એક રૂટ પર ડમી એક્સરસાઇઝ કરવામાં આવે છે અને વડા પ્રધાનનો કાફલો બીજા રૂટ પરથી સડસડાટ પસાર કરી દેવામાં આવે છે.

વડા પ્રધાન રોજ જે એકાદ ડઝન રૂટ્સનો ઉપયોગ કરે છે એમના પર ૪૫૦ હાઈ ક્વૉલિટી ક્લોઝ્ડ સર્કિટ કૅમેરા નવી વ્યવસ્થા અનુસાર ગોઠવવામાં આવશે.

અમેરિકામાંથી પ્રેરણા

પોતાની સલામતીમાં ઘટાડો કરવાનો વિચાર મોદીને તેમની તાજેતરની અમેરિકા યાત્રાને પગલે આવ્યો હોય એ પણ શક્ય છે. અમેરિકામાં પ્રમુખ બરાક ઓબામા સામાન્ય નાગરિકોને મળે છે ત્યારે તેમની ચોતરફ સલામતી રક્ષકોનાં ધાડાં ગોઠવાયેલાં નથી હોતાં.

મોદીની સલામતીની સજ્જડ વ્યવસ્થા

વિવિધ સ્તરે ૧૦૦૦ કમાન્ડો ઉપરાંત સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપના ૫૦૦ જવાનો નરેન્દ્ર મોદીને સલામતી કવચ પૂરું પાડે છે. વડા પ્રધાનના નિવાસસ્થાનની સલામતી એસપીજી સંભાળે છે, જ્યારે બીજા સ્તરે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને ત્રીજા સ્તરે દિલ્હી પોલીસના કર્મચારીઓ ફરજ બજાવે છે.