દેશમાં મંદી માટે વડા પ્રધાન કાર્યાલય જવાબદાર: રઘુરામ

09 December, 2019 09:40 AM IST  |  New Delhi

દેશમાં મંદી માટે વડા પ્રધાન કાર્યાલય જવાબદાર: રઘુરામ

રઘુરામ રાજન

દેશનું અર્થતંત્ર ધીમું પડતાં ભારતીય રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાજને જણાવ્યું કે દેશ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને અર્થતંત્રમાં નોંધપાત્ર સુસ્તીના સંકેતો મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આનું મૂળ કારણ અર્થતંત્રનું સંચાલન વડા પ્રધાન કાર્યાલયથી થતું હોવાનું અને પ્રધાનો પાસે કોઈ જ સત્તા નહીં હોવાનું છે.
રાજને એક લેખમાં અર્થવ્યવસ્થાને મુશ્કેલીમાંથી ઉગારવા માટે ઉપાયોગી ચર્ચા દરમ્યાન જણાવ્યું કે ભંડોળ એકત્ર કરવાના નિયમો ઉદાર બનાવવા જોઈએ, જમીન અને રોજગાર માર્કેટમાં સુધારો થવો જોઈએ તેમ જ રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. રાજને સરકારને પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહિત કરવા તેમ જ સ્થાનિક ક્ષમતાનો વ્યાપ વધારવા માટે વિવેકપૂર્ણ રીતે મુક્ત વ્યાપાર સમજૂતીમાં સામેલ થવાનો આગ્રહ પણ કર્યો હતો.
રઘુરામ રાજને સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું કે ‘ક્યાં ભૂલ થઈ છે એ સમજવા માટે આપણે વર્તમાન સરકારની કેન્દ્રીકૃત પ્રકૃતિ સમજવી જરૂરી છે. પીએમઓમાંથી ફક્ત અમલીકરણ જ નહીં, પરંતુ વિચાર અને યોજનાનો નિર્ણય પણ નક્કી કરવામાં આવે છે અને પીએમઓના નજીકના કેટલાક લોકો જ આ બધું કરી રહ્યા છે.’ રાજને વધુમાં જણાવ્યું કે પક્ષના રાજકીય તથા સામાજિક એજન્ડા માટે આ યોગ્ય છે, પરંતુ આર્થિક સુધારની દૃષ્ટિએ આમ ન થવું જોઈએ. જ્યાં લોકોને એ પણ ધ્યાન નથી કે રાજ્ય સ્તરથી અલગ કેન્દ્રીય સ્તરે અર્થવ્યવસ્થા કેવી રીતે કામ કરે છે.
તેમણે ઉદાહરણ ટાંકતાં જણાવ્યું કે અગાઉની સરકાર ગઠબંધનની સરકારથી ચાલતી હતી, પરંતુ તેમણે સતત અર્થવ્યવસ્થાના ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો હતો. રાજને જણાવ્યું કે પ્રધાનો શક્તિવિહોણા થવા સાથે સરકારનું વધુ પડતું કેન્દ્રીકરણ અને દૃષ્ટિકોણનો અભાવ એ દર્શાવે છે કે પીએમઓની ઇચ્છા મુજબ જ સુધારાના પ્રયાસ માટેની પ્રક્રિયા આગળ વધે છે.

raghuram rajan national news