06 August, 2025 09:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કર્તવ્ય ભવન
દિલ્હીમાં શાસ્ત્રી ભવન, કૃષિ ભવન, નિર્માણ ભવન જેવાં ઘણાં સરકારી બિલ્ડિંગો દશકો જૂનાં અને પુરાણાં થઈ ગયાં હોવાથી એમાં સુરક્ષા અને સુવિધાની કમી હતી. એ તમામ ભવનોનાં તમામ મંત્રાલયોનું કાર્યાલય એક જ જગ્યાએ થઈ શકે અને તમામ મહત્ત્વનાં મંત્રાલયો વચ્ચે સંયોજનની પ્રક્રિયા સરળ બને એ માટે નવા કર્તવ્ય ભવનનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ કર્તવ્ય ભવનના ત્રણ હિસ્સા છે. એમાંથી ત્રીજા હિસ્સાનું લોકાર્પણ આજે વડા પ્રધાન કરશે. પહેલા અને બીજા નંબરના કર્તવ્ય ભવનનું કામકાજ પણ લગભગ પૂરું થવાના આરે છે. કર્તવ્ય ભવન એનર્જી-એફિશ્યન્ટ, ઇકો-ફ્રેન્ડ્લી, ડિજિટલ સ્માર્ટ અને સુરક્ષાની દૃષ્ટિએ આધુનિક છે. નવાં બિલ્ડિંગો ગ્રીન ટેક્નૉલૉજીથી બન્યાં હોવાથી એમનું મેઇન્ટેનન્સ ઓછું આવશે. ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત તમામ સરકારી કામકાજને ડિજિટલ સ્વરૂપે સંચાલિત કરવાનું અહીં સંભવ બનશે.