દેશને જરૂર છે ‘વન નેશન વન ઈલેક્શન’ની: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

26 November, 2020 08:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશને જરૂર છે ‘વન નેશન વન ઈલેક્શન’ની: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આજે બંધારણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દેશનું સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સને સંબોધિત કરી છે. ગુજરાતના કેવડિયામાં યોજાઈ રહેલી આ ઈવેન્ટમાં મોદી વિડિયો- કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. આજે તેમણે ‘વન નેશન વન ઈલેક્શન’ની વાત પર ખાસ ભાર મુક્યો હતો.

‘વન નેશન વન ઈલેક્શન’ની વિચારણાને જરૂરી ગણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે, પીઠાસીન અધિકારી આ વિશે ગાઈડ કરી શકે છે. પૂરી રીતે ડિજિટલાઇઝેશનનો સમય આવી ગયો છે. પીઠાસીન અધિકારી એનો વિચાર કરશે તો ધારાસભ્યોને સરળતા રહેશે. હવે આપણે પેપરલેસ પદ્ધતિઓ પર ભાર આપવો જોઈએ. બંધારણ સભા આ વાત અંગે એકમત હતી કે ભારતમાં ઘણી વાતો પરંપરાથી સ્થાપિત થશે. વિધાનસભામાં ચર્ચાથી વધુમાં વધુ લોકો કેવી રીતે જોડાયા તેના માટે પ્રયાસ થવા જોઈએ. જે વિષયની ગૃહમાં ચર્ચા થાય, એનાથી સંબંધિત લોકોને બોલાવવામાં આવે. મારી પાસે તો સૂચન છે, પણ તમારી પાસે અનુભવ છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે બંધારણના રક્ષણમાં ન્યાયપાલિકાની ભૂમિકા બહુ મહત્વની રહી છે. 70ના દાયકામાં ઈમરજન્સી સ્વરુપે બંધારણને તોડવાની કોશીશ થઈ હતી પણ ઉલટાનુ ઈમજન્સી બાદ બંધારણની સિસ્ટમ વધારે મજબૂત બની હતી. આપણા માટે આ એક શીખવા જેવી બાબત છે. તેમણે નાગરિકોને પણ અપીલ કરી હતી કે, દરેક નાગરિકે બંધારણને સમજવુ જોઈએ અને તેના હિસાબે જ ચાલવુ જોઈએ. વિધાનસભામાં પણ લોકભાગીદારી કેવી રીતે વધે તેના પર ચર્ચા કરવાની જરુર છે. કોરોના કાળમાં લોકોએ બંધારણ પર ભરોસો મુક્યો છે. સંસદમાં પણ ઉલટાનુ વધારે કામ થયુ છે. સાંસદોએ પોતાનો પગાર કાપવા માટે પણ સંમતિ આપી છે. કોરોનાના સમયમાં પણ દેશમાં ચૂંટણીઓ થઈ છે અને નિયમ પ્રમાણે જ સરકારો બની છે તે બંધારણની તાકાત બતાવે છે.

નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, રેક વ્યક્તિએ રાષ્ટ્રહિત માટે કામ કરવુ જોઈએ. રાષ્ટ્રહિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર રાજકારણ રમાય છે ત્યારે તેનુ નુકસાન થતુ હોય છે. સરદાર સરોવર ડેમ પણ રાજકારણનો શિકાર બન્યો છે. અમુક લોકોના કારણે ડેમનુ કામ રોકાઈ રહ્યુ અને તેના કારણે તેના ખર્ચમાં કરોડો રુપિયાનો વધારો થઈ ગયો હતો. આજે પણ આવા લોકોના ચહેરા પર કોઈ પસ્તાવો નથી. સરદાર પટેલ ક્યારેય ભાજપ કે જનસંઘમાં નહોતા જોડાયા પણ ત્યાં રાજકીય આભડછેટ નથી. જેના કારણે આજે સરદાર સાહેબનુ સ્ટેચ્યુ ઉભુ છે અને લોકોને નોકરીઓ પણ મળી રહી છે.

national news narendra modi