31 May, 2025 10:07 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
પહલગામના ટેરર-અટૅકમાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીના પરિવારજનોને નરેન્દ્ર મોદી ગઈ કાલે કાનપુરમાં મળ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કાનપુર પહોંચતાં જ પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીના પરિવારને મળ્યા હતા. નરેન્દ્ર મોદીને જોતાં જ શુભમની પત્ની એશન્યા રડી પડી હતી, જેને પગલે વડા પ્રધાન પણ ભાવુક થઈ ગયા હતા અને એશન્યાના માથા પર હાથ રાખીને કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ ઑપરેશન સિંદૂર ખતમ નથી થયું, આગળ પણ શરૂ રહેશે. બાજુમાં ઊભેલા શુભમના પિતા સંજય દ્વિવેદીને પણ રડતા જોઈને નરેન્દ્ર મોદી તેમની પાસે પહોંચ્યા અને ખભા પર હાથ રાખીને તેમને સાંત્વન આપ્યું હતું. વડા પ્રધાન શુભમના પરિવાર સાથે દસેક મિનિટ સુધી રહ્યા હતા. ચકેરી ઍરપોર્ટ પર શુભમની પત્ની એશન્યા, પિતા સંજય, માતા સીમાની નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી. શુભમનાં માતા-પિતાએ રડતાં-રડતાં કહ્યું હતું કે અમારા દીકરાની શહીદી એળે ન જાય.
વડા પ્રધાન સાથે મુલાકાત બાદ એશન્યાએ જણાવ્યું હતું કે ‘મારા બે ઓપિનિયન હતા જે તેમણે સાંભળ્યા. મેં તેમને કહ્યું કે કાશ્મીરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, કદાચ આતંકવાદીઓ એને ખતમ કરવા માટે આવ્યા હતા. મને એ પણ લાગ્યું કે તેઓ ભારતના હિન્દુ-મુસ્લિમને અલગ કરવાના પ્રયાસ માટે આવ્યા હતા, તેઓ ધર્મ પૂછીને ગોળી ચલાવી રહ્યા હતા. વડા પ્રધાને કહ્યું કે મને પણ એવું જ લાગે છે, આતંકવાદીઓએ એટલા માટે ધર્મ પૂછીને માર્યા, આખો દેશ તમારી સાથે ઊભો છે. વડા પ્રધાને મને પર્સનલી સમગ્ર ઘટનાક્રમ વિશે પૂછ્યું હતું. ઑપરેશન સિંદૂરની સફળતા બદલ અમે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.’