કર્ણાટકના મૈસુર પાસે પીએમના ભાઈની કારના ઍક્સિડન્ટ માટે ડ્રાઇવર જવાબદાર?

28 December, 2022 10:02 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

પ્રહ્‍લાદ મોદીની કાર ડિવાઇડર સાથે ટકરાઈ, તેમને અને તેમના પરિવારના સભ્યોને સામાન્ય ઈજા થઈ

અકસ્માતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્‍લાદ મોદીની કારના આગળના ભાગને ખૂબ નુકસાન થયું છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્‍લાદ મોદીની કારને ગઈ કાલે બપોરે કર્ણાટકના મૈસુર પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને ઈજા થઈ છે. પ્રહ્‍લાદ મોદી સાથે તેમનો દીકરો, પુત્રવધૂ અને પૌત્ર હતાં. તેઓ મર્સિડીઝ બેન્ઝ કારમાં બાંદીપુર જઈ રહ્યાં હતાં ત્યારે બપોરે બે વાગ્યે આ કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી. ઍક્સિડન્ટનાં વિઝ્‍યુઅલ્સમાં જોવા મળ્યું હતું કે આ કારના આગળના ભાગને ખૂબ નુકસાન થયું છે. પ્રહ્‍લાદ મોદીના પૌત્રના પગમાં ફ્રૅક્ચર આવ્યું છે, જ્યારે અન્ય કેટલાકને સામાન્ય ઈજા થઈ છે અને તેમને મૈસુરની જેએસ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે. પુત્રવધૂને આંખ અને જડબામાં ઈજા થઈ છે.

કડકોલા પાસે બપોરે દોઢ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. મૈસૂર પોલીસ સુપરિન્ટેડન્ટ સીમા લટકરે ઘટનાસ્થળ અને હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

હૉસ્પિટલમાં એક ડૉક્ટરે કહ્યું હતું કે ‘તમામને સામાન્ય ઈજા થઈ છે અને તેમની સ્થિતિ સ્થિર છે. તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. કોઈને વધારે લોહી વહ્યું નથી અને તમામ ખતરાની બહાર છે. એક્સરે અને સી.ટી. સ્કૅન કરવામાં આવ્યાં છે. માત્ર બાળકને ડાબા પગમાં ફ્રૅક્ચર થયું છે, પરંતુ તેની સ્થિતિ ગંભીર નથી. તેની સારવાર ચાલી રહી છે.’

મૈસૂર-કોદગુ બેઠક પરથી સંસદસભ્ય પ્રતાપ સિંહાએ આ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે પણ કહ્યું હતું કે આ પરિવારના સભ્યોને સામાન્ય ઈજા થઈ છે. પ્રહ્લાદ મોદીનાં દીકરી અન્ય કારમાં હતાં અને તેઓ સ્વસ્થ છે. પ્રહ્લાદ મોદીને લઈને જતી કારના ડ્રાઇવરને ઊંઘ આવી જવાના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

national news narendra modi