રેલવેનું ખાનગીકરણ નહીં: વડા પ્રધાને આપી ધરપત

26 December, 2014 05:39 AM IST  | 

રેલવેનું ખાનગીકરણ નહીં: વડા પ્રધાને આપી ધરપત




રેલવેના ખાનગીકરણની શક્યતાનો ઇનકાર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વારાણસીમાં જણાવ્યું હતું કે નૅશનલ ટ્રાન્સપોર્ટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે વિદેશી અને ખાનગી મૂડીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે લોકોએ સાશંક થવું ન જોઈએ.

રેલવે-સ્ટેશન પર પોતે ચા વેચતા હતા એ દિવસોને યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મોટા ભાગના રેલવે-કર્મચારીઓ કરતાં પણ મારો રેલવે સાથે જૂનો સંબંધ છે. રેલવેનું ખાનગીકરણ કરવામાં આવશે એવી ગેરસમજ પ્રવર્તી રહી છે, પણ હું ચોખવટ કરું છું કે અમે એમ નથી કરવાના. અમે એ દિશામાં જવાના જ નથી અને અમે એવું વિચારતા પણ નથી, એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’

પોતાની વાત આગળ વધારતાં વડા પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે ‘રેલવેના વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતાને સમજવાની અને એનો આદર કરવાની જરૂર છે. એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે તો દેશના અર્થતંત્રને જરૂર ફાયદો થશે.’

પ્રતિભાશાળી યુવાઓ માટે રેલવે કારકિર્દીનો આકર્ષક વિકલ્પ બની શકે છે એમ જણાવતાં વડા પ્રધાને દેશમાં ચાર રેલવે યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને રેલવેમાં નોકરી મળશે.