નરેન્દ્ર મોદી અભિમન્યુ છે : મોહન ભાગવત

01 December, 2014 06:27 AM IST  | 

નરેન્દ્ર મોદી અભિમન્યુ છે : મોહન ભાગવત




હરિદ્વારમાં સાધુ-સંતોના એક સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ચીફ મોહન ભાગવતે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની તુલના મહાભારતના પૉપ્યુલર હીરો અભિમન્યુની સાથે કરતાં કહ્યું હતું કે ‘કેન્દ્રમાં સત્તારૂઢ નરેન્દ્ર મોદીની સરકારનું મૂલ્યાંકન કરવામાં હજી ધીરજ રાખવાની જરૂર છે. નરેન્દ્ર મોદી દેશમાં પરિવર્તન લાવી શકે છે, પરંતુ મશીનરી હજી અગાઉની જ છે.’

મહાભારતની કથા પ્રમાણે પાંડવો અને કૌરવો વચ્ચેના મહાયુદ્ધમાં કૌરવોએ સાત ચક્રવ્યૂહ રચીને પાંડવોને પડકાર્યા હતા અને પાંડવોમાંના મહાવીર અજુર્નની ગેરહાજરીમાં તેનો વીર પુત્ર અભિમન્યુ લડવા ગયો, પરંતુ છ ચક્રવ્યૂહ ભેદ્યા બાદ છેલ્લા સાતમા ચક્રવ્યૂહમાં કૌરવોએ તેને ઘેરીને મારી નાખ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૂતપૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર સ્વામી ચિન્મયાનંદના આશ્રમમાં લગભગ ૫૦ જેટલા સાધુ-સંતોને સંબોધતાં ભાગવતે મોદી વિશે કહ્યું હતું કે ‘આપણો અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદશે જ. આજે RSSના સ્વયંસેવકો સરકાર ચલાવી રહ્યા છે તેથી તેઓ દેશ માટે સારું કામ કરે એવી સૌની ઇચ્છા છે. મોદીના મનમાં દેશનું ભલું કરવાની ભાવના છે, પરંતુ તેમની સામે પડકારો પણ છે. સરકારી મશીનરીમાં બાબુશાહી અગાઉની સરકારની જ હોવાથી પરિવર્તનને લાગુ કરવામાં મુશ્કેલીઓ પડે છે.’

જોકે આ સભામાં હાજર કેટલાય સંતો-સાધુઓ રામજન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા છે, પરંતુ આ સમારોહમાં રામ અને રામમંદિરનો મુદ્દો સાવ ગાયબ હતો.