નવી શિક્ષણ નીતિ પર બોલ્યા PM મોદી,આ ફક્ત સર્ક્યુલર નથી, નવા ભારતનો પાયો

07 August, 2020 02:38 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

નવી શિક્ષણ નીતિ પર બોલ્યા PM મોદી,આ ફક્ત સર્ક્યુલર નથી, નવા ભારતનો પાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશની નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંગે પોતાની વાત રજૂ કરી. શિક્ષા મંત્રાલય દ્વારા આયોજિત એક કૉન્ફ્રેન્સમાં વડાપ્રધાન મોદીએ શરૂઆતમાં સંબોધન કર્યું. વડાપ્રધાને કહ્યું કે ત્રણ-ચાર વર્ષના વિચાર-વિમર્શ પછી નવી શિક્ષણ નીતિને પરવાનગી આપવામાં આવી છે. આજે દરેક વિચારધારાને લોકો આ અંગે મંથન કરી રહ્યા છે. આજે આ નીતિનો કોઇ વિરોધ પણ નથી કરતાં, કારણકે આમાં કંઇપણ એકપક્ષી નથી. હવે લોકો વિચારી રહ્યા છે કે આટલા મોટા રિફૉર્મને અમલમાં કેવી રીતે લાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ માત્ર કોઇ એક સર્ક્યુલર નથી પણ મહાયજ્ઞ છે, જે નવા દેશનો પાયો ઘડશે, અને એક નવી સદી તૈયાર કરશે.

સંબોધનમાં મોદીએ કહ્યું કે હવે આને અમલમાં મૂકવા માટે જે પણ કરવાનું હશે, તે ટૂંક સમયમાં જ કરવામાં આવશે. પીએમ મોદીએ આગળ કહ્યું કે આને લાગૂ પાડવામાં જે પણ મદદ જોઇશે, હું તમારી સાથે છું શિક્ષણ નીતિમાં દેશના લક્ષ્યને ધ્યાનમાં રાખવું જરૂરી છે, જેથી ભવિષ્ય માટે નવી પેઢી ઘડી શકાય. આ નીતિ નવા ભારતનો પાયો મૂકશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતને શક્તિમાન બનાવવા માટે નાગરિકોને સશક્ત બનાવવા માટે સારું શિક્ષણ જરૂરી છે.

હવે મળશે ક્રિએટિવ શિક્ષણની તક
વડાપ્રધાને કહ્યું કે આજે જ્યારે નર્સરીમાં બાળક પણ નવી ટેક્નિક વિશે વાંચશે, તો તેને ભવિષ્યની તૈયારી કરવામાં સરળતા થશે. ઘણાં દાયકાઓથી શિક્ષણ નીતિમાં ફેરફાર થયા નહોતાં, તેથી સમાજમાં ઘેટામાર્ગને પ્રોત્સાહન મળ્યું. ક્યારેક ડૉક્ટર-ઇજનેર-વકીલ બનાવવાની રેસ હતી, હવે યુવાન ક્રિએટિવ વિચારોને આગળ વધારી શકશે, હવે ફક્ત ભણતર નહીં પણ વર્કિંગ કલ્ચરને ડેવલપ કરવામાં આવ્યું છે.

 

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે અમારી સામે પ્રશ્ન હતો કે શું અમારી નીતિ યુવાનોને પોતાના સપના પૂરા કરવાની તક આપે છે. શું અમારી શિક્ષણ વ્યવસ્થા યુવાનોને સક્ષમ બનાવે છે. નવી શિક્ષણ નીતિ બનાવતી વખતે આ પ્રશ્નો પર ગંભીરતાથી કામ કરવામાં આવ્યું છે. વિશ્વમાં આજે એક નવી વ્યવસ્થા ઊભી થઈ રહી છે, એવામાં તે પ્રમાણેના એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર જરૂરી છે. હવે 10+2 પણ ખતમ કરી દેવામાં આવ્યું છે, આપણે વિદ્યાર્થીને ગ્લોબલ સિટીઝન બનાવવું છે પણ તેમને પોતાના મૂળ સાથે જોડી રાખવા છે.

સ્થાનિક ભાષા પર ફોકસ કેમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બાળકોના ઘરની બોલી અને સ્કૂલમાં શિક્ષણની ભાષા એક જ હોવી જોઇએ, જેથી બાળકને શીખવામાં સરળતા રહે. હવે પાંચમા ધોરણ સુધીના બાળકોને આ સુવિધા મળશે. અત્યાર સુધી શિક્ષણ નીતિ વૉટ ટુ થિંક સાથે આગળ વધતી હતી, હવે આપણે હાઉ ટુ થિંક પર જોર આપશું. આજના બાળકને એ તક મળવી જોઇએ કે બાળક પોતાના કોર્સ પર ફોકસ કરી શકે, જો મન ન લાગે તો કોર્સ અધવચ્ચે પણ છોડી શકે. હવે વિદ્યાર્થી કોઇપણ કોર્સમાંથી નીકળીને કોઇપણ કોર્સમાં જોડાઇ શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે કોઇ વ્યક્તિ આખા જીવનમાં એક જ પ્રોફેશન પર નથી રહેતી, એવામાં સતત કંઇક ને કંઇક શીખવાની છૂટ હોવી જોઈએ. દેશમાં ઉંચ-નીચનો ભાવ, મજૂરો પ્રત્યે હિન ભાવ કેમ ઉત્પન્ન થયો. આઝે બાળકોને ભણવાની સાથે-સાથે દેશની હકીકત પણ જાણવી જરૂરી છે. ભારત આજે ટેલેન્ટ અને ટેક્નોલૉજીનું સમાધાન આખા વિશ્વને આપી શકે છે, ટેક્નોલૉજીને કારણે ગરીબ વ્યક્તિને ભણવાની તક મળી શકે છે.

દેશમાં 34 વર્ષ પછી નવી શિક્ષણ નીતિ આવી છે, તેના પર પીએમ મોદીનું આ પહેલું સાર્વજનિક ભાષણ છે. જેમાં નવી શિક્ષણ નીતિ, ભવિષ્યની શિક્ષા, રિસર્ચ જેવા મામલે ચર્ચા કરવામાં આવી.

જાણો શું છે શિક્ષણ નીતિમાં ખાસ?

માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય

પાંચમા ધોરણ સુધી બાળકોનું શિક્ષણમ સ્થાનિક ભાષામાં.

ભણતરની સાથે સાથે બાળકોની સ્કિલ પર મહત્વ

વિદેશી વિશ્વવિદ્યાલયો સાથે મળીને નવા કેમ્પસનું મહત્વ

એમફિલ બંધ, 10+2 ફૉર્મ્યુલા પણ બંધ

national news narendra modi