વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન: પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના લંબાવાઈ

30 June, 2020 04:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન: પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના લંબાવાઈ

તસવીર સૌજન્ય: એએનઆઈ

કોરોના વાયરસ (COVID-19) મહામારીના સમયમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠ્ઠી વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આજના સંબોધનમાં વડાપ્રધાને 'પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના' 30 નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં અનલૉક 2.0માં ગાઈડલાઈન્ડસનું પાલન કરવાની પણ લોકોને વિનંતી કરી હતી. વડાપ્રધાને આજના સંબોધનમાં પણ આત્મનિર્ભર ભારત અને વૉકલ ફૉર લોકલના મુદ્દે વાતચીત કરી હતી.

વડાપ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે, આપણે ત્યાં વર્ષા ઋતુ દરમિયાન, મુખ્યરીતે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં વધુ કામ હોય છે, અન્ય સેક્ટરોમાં થોડી સુસ્તી રહેતી હોય છે. જુલાઇ આવતા આવતા તહેવારોની શરૂઆત થવા લાગે છે. તહેવારોનો આ સમયમાં જરૂરિયાત પણ વધારે છે અને ખર્ચ પણ વધારે છે. એટલા માટે એક નિર્ણય લેવાય છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાઓનો વિસ્તાર દિવાળી અને છઠ્ઠ પુજા સુધી કરી દેવામાં આવ્યો છે. એટલે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપનારી યોજના જૂલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર નવેમ્બરમાં પણ લાગૂ રહેશે. આવનારા પાંચ મહિના સુધી 80 કરોડ લોકોને પાંચ કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા મફતમાં આપવામાં આવશે. પ્રત્યેક પરિવારને 1 કિલો ચણા પણ મફત આપવામાં આવશે. આ યોજનામાં 90 હજાર કરોડનો ખર્ચ થશે.

પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજનાની સફળતાનો શ્રેય વડાપ્રધાને ખેડૂતો અને દેશના ટૅક્સપેર્યસને આપ્યો હતો. સાથે વડાપ્રધાને 'વન નેશન વન રાશન કાર્ડ'ની વ્યવસ્થા થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

એટલું જ નહીં વડાપ્રધાને સંબોધનમાં અનલૉક 2.0 દરમિયાન વધી રહેલી લોકોની બેદરકારીની પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ દેશવાસીઓને માસ્ક પહેરવાની, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અને પોતાનું ધ્યાન રાખવાની વિનંતી કરી હતી.

coronavirus covid19 national news narendra modi