હું નાનો માણસ છું અને સામાન્ય માનવીઓ માટે મોટાં કામ કરીશ : મોદી

27 May, 2017 03:52 AM IST  | 

હું નાનો માણસ છું અને સામાન્ય માનવીઓ માટે મોટાં કામ કરીશ : મોદી

નિરાશાની જગ્યાએ નવી આશા બંધાઈ, દેશનું વાતાવરણ બદલાયું : મોદી

આસામમાં દેશના સૌથી લાંબા બ્રીજનું ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુવાહાટીમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મારા માટે દેશનો દરેક ખૂણો દિલ્હી છે. હું સરકાર ચલાવવામાં જનતાનો સહયોગ લઉં છું. હવે નિરાશાની જગ્યાએ નવી આશાએ જન્મ લીધો છે. આજે જનતા આશાની મીટ માંડીને બાંધી બેઠી છે. હવે સારા દિવસો આવશે. ૨૦૨૨ સુધીમાં મારી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મેં આઝાદી પછી સરકાર ચલાવવામાં જનતાનો સહકાર પહેલી વાર જોયો છે. મારા દરેક પગલા સાથે સવાસો કરોડ દેશવાસીઓ ચાલે છે. હું નાનો માણસ છું, સામાન્ય માનવીઓ માટે મોટાં કામ કરીશ.’

નરેન્દ્ર મોદીએ બીજું શું- શું કહ્યું?

સ્વચ્છતા અભિયાનને જનતાએ પોતાનું આંદોલન બનાવી લીધું અને મીડિયાએ પણ સહકાર આપ્યો. શરૂઆતમાં વિરોધ પક્ષોએ ટીકા કરી, પરંતુ પછી તેઓ ચૂપ થઈ ગયા.

એક સમય એવો હતો જ્યારે દેશની સંસદમાં નવ સિલિન્ડર કે બાર સિલિન્ડરના વિષય પર કલાકો ચર્ચા થતી હતી. આજે એ સમય છે કે મેં ગૅસની સબસિડી છોડવાની અપીલ કરી અને કરોડો લોકોએ ગૅસની સબસિડી છોડી દીધી.

ડીમૉનેટાઇઝેશન એક કઠોર નિર્ણય હતો. આ દરમ્યાન જનતાને ભડકાવવાની કોશિશ કરવામાં આવી. સરકાર સામે આક્રોશ પેદા કરવા બધા પ્રયાસો કરવામાં આવ્યા. જો સરકારનો ઇરાદો પ્રામાણિક ન હોત તો ગમે એટલી મજબૂત સરકાર પડી ભાંગી હોત. જોકે સવાસો કરોડ લોકોએ સરકારને ટેકો આપ્યો.

હું તન સમર્પિત, મન સમર્પિત અને આ જીવન સમર્પિતના ભાવથી આગળ વધી રહ્યો છું. આટલી બધી દોડાદોડ છતાં હું કેમ થાકતો નથી? એનો હું જવાબ આપું છું કે સવાસો કરોડ દેશવાસીઓ મારાથી એક ડગલું આગળ ચાલે છે. તેમનામાંથી હું પ્રેરણા લઉં છું.

જનતામાં હવે નવી આશા છે. એક સમયમાં સામાન્ય માનવીના જીવનમાં નિરાશા વ્યાપ્ત હતી. એટલી બધી નિરાશા જડ કરી ગઈ હતી કે હવે કંઈ થઈ શકશે નહીં, આજ રીતે જીવન ગુજારી લો. હવે એ લાગણી પૂરી થઈ ગઈ છે. લોકોમાં એવી આશા જન્મી છે કે હવે કંઈ થશે, કંઈ સારું થશે.

દેશના સૌથી લાંબા બ્રિજને અપાયું ભૂપેન હઝારિકાનું નામ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આસામમાં લોહિત નદી પર દેશના સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે આ પુલ નવી આર્થિક ક્રાન્તિનો પાયો બનશે અને ભારતને વિશ્વની મહાશક્તિ બનવામાં મદદ કરશે. આસામ અને અરુણાચલને જોડતો ૯.૨ કિલોમીટર લાંબો આ પુલ બન્ને રાજ્યોની જનતાને નજીક આવવામાં મદદ કરશે. સરકારે આ પુલનું નામ ગાયક ભૂપેન હઝારિકાને નામે રાખવાનો નિર્ણય કર્યો છે. ભૂપેન હઝારિકા સદિયાના હતા.