07 April, 2025 08:25 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી, એમ. કે. સ્ટૅલિન
તામિલનાડુમાં પંબન બ્રિજનું ઉદ્ઘાટન કરવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામેશ્વરમમાં એક જાહેર સભાને સંબોધતાં તામિલનાડુના નેતાઓ દ્વારા ભાષાના મુદ્દે ઊભા કરવામાં આવેલા વિવાદ પર આડકતરી રીતે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકાર સતત એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે તામિલ ભાષા અને તામિલ વારસો વિશ્વના ખૂણે-ખૂણે પહોંચે. તામિલનાડુના નેતાઓ મને પત્રો લખે છે, પણ એકેય નેતા તામિલ ભાષામાં સહી કરતો નથી. જો તેમને ખરેખર તેમની ભાષા પર ગર્વ હોય તો તેમણે કમસે કમ તામિલમાં સહી કરવી જોઈએ.’
તામિલનાડુની એમ. કે. સ્ટૅલિન સરકારે કેન્દ્રની ત્રણ ભાષા ફૉર્મ્યુલા સામે બાંયો ચડાવી છે. તેમનું કહેવું છે કે સરકારની ત્રણ ભાષાની નવી એજ્યુકેશન પૉલિસી તામિલ ભાષા અને સંસ્કૃતિને જોખમમાં મૂકે છે. કેન્દ્ર સરકાર અમારા પર હિન્દી ભાષા લાદવાનો પ્રયાસ કરે છે.
મેડિકલનો અભ્યાસ તામિલ ભાષામાં શરૂ કરવાની હિમાયત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘તામિલનાડુ સરકારે ગરીબ પરિવારનાં બાળકો માટે તામિલ ભાષામાં તબીબી અભ્યાસક્રમો શરૂ કરવા જોઈએ. એનાથી ગરીબ પરિવારનાં બાળકોનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું થશે. છેલ્લાં ૧૦ વર્ષમાં તામિલનાડુમાં ૧૧ નવી મેડિકલ કૉલેજો બની છે.’
વડા પ્રધાન મોદીએ એ આરોપ પણ ફગાવી દીધો હતો કે કેન્દ્ર સરકાર તામિલનાડુને કેન્દ્રીય ભંડોળ ફાળવતી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ રાજ્યને કેન્દ્રની ઘણી યોજનાનો લાભ મળ્યો છે અને અગાઉની કેન્દ્ર સરકારોની સરખામણીમાં વધારે ફાળવણી થાય છે.