દેશના યુવાન IPSને મોદીની સલાહ, ડ્યૂટી પર પહોંચતાં જ સિંઘમ ન બનવું...

04 September, 2020 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દેશના યુવાન IPSને મોદીની સલાહ, ડ્યૂટી પર પહોંચતાં જ સિંઘમ ન બનવું...

નરેન્દ્ર મોદીએ આઇપીએસ ટ્રેઇનીને આપી આ સલાહ

વડાપ્રધાન (Prime Minister Narendra Modi) નરેન્દ્ર મોદીએ શુક્રવારે આઇપીએસ (IPS) પ્રોબેશનર્સ સાથે વાત કરી. દેશની સેવામાં સામેલ થનારા આ અધિકારીઓને પીએમ મોદીએ ટ્રેનિંગ પ્રક્રિયાથી લઈને લોકતંત્ર અને યોગ સુધીનું મહત્વ સમજાવ્યું છે. આ દરમિયાન તેમણે આવેલા ટ્રેઇની અધિકારીઓ સાથે સંવાદ પણ કર્યો. તેમણે આ અધિકારીઓને 'સિંઘમ' બનવાની ના પાડી અને કહ્યું કે 'પ્રેમ સેતુ' જોડવો. પીએમ મોદીએ બિહાર કૈડર ટ્રેની આઇપીએસ તનુશ્રીને રસપ્રદ અંદાજમાં ટેક્સટાઇલ્સ અને ટેરરનો ફરક સમજાવ્યો.

તનુશ્રીએ ગાંધીનગરથી લીધી છે ટેક્સટાઇલ ડિઝાઇનમાં ડિગ્રી
તનુશ્રીએ પીએમ મોદીને જણાવ્યું કે તે બિહારથી છે અને ગાંધીનગરથી ટેક્સટાઇલ ડિઝાઇનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે, "તમે પણ ગુજરાતમાં જઈને આવ્યાં છો." પછી તેમણે પૂછ્યું કે 'ટેક્સટાઇલ અને ટેરર...કેવી રીતે કરશો?' આ અંગે તનુશ્રીએ કહ્યું કે તેને ટ્રેનિંગ ખૂબ જ સારી મળી છે. ત્યારે પીએમ મોદીએ સમજાવતાં કહ્યું કે, "જુઓ ટેક્સટાઇલમાં દોરા જોડવાના હોય છે અને ટેરરમાં તોડવાના હોય છે. તો જુદાં-જુદાં મુદ્દે કામ કરવું પડશે."

"જતાં જ સિંઘમ ન બની જતા."
અધિકારીઓને સલાહ આપી છે કે ફિલ્મો જોઇને તે રીતે જ પોતાનો રોબ દર્શાવવાનો પ્રયત્ન ન કરવો. પીએમએ કહ્યું, "કેટલાક પોલીસના અધિકારીઓ જ્યારે ડ્યૂટી પર જાય છે તો તેમને લાગે છે કે પહેલા હું રોબ બતાવું, લોકોને ડરાવી દઉં. હું લોકોમાં પોતાનો ઑર્ડર આપું અને જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે તે મારા નામથી કાંપવા જોઇએ. આ જે સિંઘમવાળી ફિલ્મો જોઇને મોટાં બને છે, તેમના મગજમાં આ ભરાઇ જાય છે અને તેને કારણે કરવાના કામ છૂટી જાય છે."

પીએમ મોદીએ સમજાવ્યું, કેવો હોવો જોઇએ એક પોલીસ ઑફિસર
મોદીએ કહ્યું, "સામાન્ય માનવતા પર પ્રભાવ જન્માવવો. આ સામાન્ય માનવતામાં પ્રેમનો સેતુ જોડવાનો છે, આ નક્કી કરી લો. જો તમે પ્રભાવ પાડશો, તો તેની ઉંમર ખૂબ જ ઓછી હોય છે, પણ પ્રેમનો સેતુ જોડશો તો તમે રિટાયર થઈ જશો ત્યારે પણ જ્યાં તમારી પહેલી ડ્યૂટી કરી હશે ત્યાંના લોકો તમને યાદ કરશે કે 20 વર્ષ પહેલા એવો એક નવજવાન ઑફિસર આવ્યો હતો જેને અમારી ભાષા નહોતી આવડતી પણ પોતાના વ્યવહારથી લોકોના હ્યદય પર રાજ કરી લીધો હતો. તમે એકવાર જનસામાન્યના મન જીતી લેશો તો તેમનો દ્રષ્ટિકોણ જાતે બદલાઇ જશે."

national news narendra modi