કોરોના વૅક્સિન માટે કોઈ ભય કે ગેરસમજ ન રાખોઃ વડા પ્રધાન

23 January, 2021 02:24 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

કોરોના વૅક્સિન માટે કોઈ ભય કે ગેરસમજ ન રાખોઃ વડા પ્રધાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના મત વિસ્તાર વારાણસીના હેલ્થ વર્કર્સ જોડે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સંવાદ દરમ્યાન કોરોના પ્રતિકારક રસી વિશે લોકોમાં પ્રવર્તતી ગેરસમજો અને ભય દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડા પ્રધાનના ૩૦ મિનિટના વિડિયો-સંવાદ દરમ્યાન જે હેલ્થ પ્રૅક્ટિશનર્સે કોરોના પ્રતિકારક રસી લીધી હોય કે અન્યને રસી આપી હોય તેમણે તેમના અનુભવો વર્ણવ્યા હતા. એક ડૉક્ટર, મૅટ્રન, નર્સ અને લૅબ ટેક્નિશ્યને વૅક્સિનેશનની કોઈ આડઅસરો નહીં હોવાની અને કંઈ નુકસાન નહીં થવાની બાંયધરી ઉચ્ચારી હતી. ઘણા હેલ્થ વર્કર્સ વૅક્સિન લેવામાં ખચકાટ અનુભવે છે અને વૅક્સિનેશન સેન્ટર્સ પર ધારણા કરતાં ઓછા લોકો જતા હોય છે એ સંજોગોમાં વડા પ્રધાનનાં આ સંવાદ-સંબોધન મહત્ત્વપૂર્ણ નીવડ્યાં છે.

વડા પ્રધાને ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ડૉક્ટરો અને હેલ્થ વર્કર્સ કોરોના પ્રતિકારક રસીને ક્લીન ચિટ આપે ત્યારે એ રસી પૂર્ણ અસરકારક હોવાનું સિદ્ધ થાય છે. છેલ્લા દસ મહિનામાં કોરોના યોદ્ધાઓની કામગીરી ખરેખર શાબાશી આપવા લાયક છે. વિશ્વની સૌથી વિશાળ અને વ્યાપક વૅક્સિનેશન ડ્રાઇવ ભારતમાં ચાલી રહી છે. એ રોગચાળા સામે આપણા વિજયની દિશામાં મોટી પ્રગતિની નિશાની છે. આપણા ફ્રન્ટલાઇન વર્કર્સને વૅક્સિન આપવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે.’

પ્રથમ તબક્કાની ટ્રાયલ્સમાં કોવૅક્સિન સલામત: લેન્સેટ

ભારતમાં ઘરઆંગણે વિકસાવવામાં આવેલી કોવૅક્સિનની પ્રથમ તબક્કાની ટ્રાયલ્સમાં એ કોરોના પ્રતિકારક રસી પૂર્ણ સુરક્ષિત સિદ્ધ થઈ હોવાનું લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલમાં પ્રકાશિત પરિણામોમાં જણાવવામાં આવ્યું હતું. હૈદરાબાદની ભારત બાયોટેક ફાર્માસ્યુટિકલ કંપનીએ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી (એનઆઇવી)ના સહયોગમાં વિકસાવેલી રસીને ક્લિનિકલ ટ્રાયલ મોડ દરમ્યાન ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન આપવામાં આવ્યું હતું. લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલમાં પ્રકાશિત પરિણામોમાં એ વૅક્સિનથી કોઈ પણ આડઅસરો વગર કોરોના સહિતના રોગો માટેની પ્રતિકાર ક્ષમતા વધતી હોવાનું જણાવવામાં આવ્યું છે.

BBV152 કોડનેમ ધરાવતી આ રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ્સ ચાલી રહી છે એ સંજોગોમાં એને પહેલેથી ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન આપવાનાં પગલાં સામે નિષ્ણાતોમાં શંકા-કુશંકા અને તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે ત્યારે લેન્સેટ ઇફેક્શિયસ ડિસીઝ જર્નલમાં પરિણામોનું પ્રકાશન મહત્ત્વપૂર્ણ નીવડ્યું છે. અગાઉ ગયા ડિસેમ્બર મહિનામાં આ પરિણામો પ્રી-પ્રિન્ટ સર્વર medRxivમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

national news coronavirus covid19 narendra modi