વારાણસીમાં ઘાટ સાફ કરવા માટે મોદીએ ઉપાડ્યો પાવડો

09 November, 2014 05:03 AM IST  | 

વારાણસીમાં ઘાટ સાફ કરવા માટે મોદીએ ઉપાડ્યો પાવડો






વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમના સંસદીય મતવિસ્તાર વારાણસીની બે દિવસની મુલાકાતના બીજા અને છેલ્લા દિવસે ગઈ કાલે ગંગાનદીના અસ્સી ઘાટ પર પહોંચ્યા હતા. વડા પ્રધાન પગથિયાં ઊતરીને એક અસ્થાયી મંચ સુધી ગયા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ-અધ્યક્ષ લક્ષ્મીકાન્ત વાજપેયી સહિતના પક્ષના અન્ય નેતાઓ સાથે આવેલા નરેન્દ્ર મોદીએ પાવડો ઉઠાવ્યો હતો અને વરસાદની મોસમ બાદ ઘાટની આજુબાજુમાં જમા થયેલો કચરો પંદર મિનિટમાં ખોદી કાઢ્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે આ ઘાટની સફાઈનું કામ શરૂ કર્યું છે અને સ્થાનિક સામાજિક સંગઠનોએ મને ખાતરી આપી છે કે એક મહિનામાં આખા ઘાટની સફાઈ થઈ જશે. સફાઈના માધ્યમથી લોકોને આ સારી ભેટ મળશે.

નવ અગ્રણીઓનું નૉમિનેશન

વડા પ્રધાને સ્વચ્છ ભારત મિશન માટે ઉત્તર પ્રદેશમાંથી નવ અગ્રણીઓને નૉમિનેટ કર્યા હતા. એ નવમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ, ભોજપુરી ફિલ્મોના અભિનેતા મનોજ તિવારી, સૂફી ગાયક કૈલાશ ખૈર, કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ, ક્રિકેટર મોહમ્મદ કૈફ તથા સુરેશ રૈના, ચિત્રકૂટ યુનિવર્સિટી ઑફ બ્લાઇન્ડના ચાન્સેલર સ્વામી રામ ભદ્રાચાર્ય, સંસ્કૃતના વિદ્વાન દેવી પ્રકાશ દ્વિવેદી અને લેખક મનુ શર્માનો સમાવેશ થાય છે.