નરેન્દ્ર મોદીએ જેન-આલ્ફા સાથે મનાવી રક્ષાબંધન

29 August, 2026 10:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ સ્કૂલમાં ભણતી છોકરીઓ પાસે રાખડી બંધાવી હતી

વડા પ્રધાન આવાસ પર સ્કૂલની બાળકીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી

ગઈ કાલે નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ લોકકલ્યાણ માર્ગ પર આવેલા તેમના વડા પ્રધાન આવાસ પર સ્કૂલની બાળકીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. નરેન્દ્ર મોદીએ સ્કૂલમાં ભણતી છોકરીઓ પાસે રાખડી બંધાવી હતી અને દરેકની સાથે વાતચીત કરી હતી. કોઈકને હાઇફાઇવ આપી તો કોઈકના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. એક છોકરીએ તો નરેન્દ્ર મોદીને પૂછી લીધું કે તમે નાના હતા ત્યારે તમારું સપનું શું હતું? ત્યારે તેમણે સ્મિત સાથે કહ્યું હતું, ‘તમને બધાને મળવાનું સપનું હતું.’ નરેન્દ્ર મોદીએ જેન-આલ્ફા સાથે હળવી મજાક-મસ્તી કરી ત્યારે એક ટબૂકડી દીકરીએ તો દાદાના ગાલને વહાલથી ચૂમી લીધા હતા. 

સુરતની વિદ્યાર્થિનીઓએ બાંધી ૭૦ વૃક્ષોને રાખડી, પર્યાવરણ સંરક્ષણનો આપ્યો મેસેજ

સુરતમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધનના આગલા દિવસે ગુરુવારે આવકારદાયક ઉજવણી કરી હતી. કતારગામની સ્કૂલની ૭૦ વિદ્યાર્થિનીઓએ ધોળકિયા ગાર્ડનમાં જઈને ૭૦ વૃક્ષોને રાખડી બાંધીને પર્યાવરણ-સંરક્ષણનો મેસેજ આપ્યો હતો. વિદ્યાર્થિનીઓએ વૃક્ષોને ચાંદલા કર્યા હતા, આરતી ઉતારી હતી અને રાખડી બાંધી હતી. એટલું જ નહીં, વૃક્ષોને રાખડી બાંધીને વિદ્યાર્થિનીઓએ વૃક્ષોના જતનની પ્રતિજ્ઞા લીધી હતી. 

સોમનાથ મહાદેવને રાખડીનો શણગાર, દર્શન કરવા માટે ભક્તોનું ઊમટ્યું ઘોડાપૂર

સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ગઈ કાલે રક્ષાબંધનના પવિત્ર પર્વે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. આ અવસરે સોમનાથ મહાદેવને રાખડીનો શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોમનાથ મહાદેવને ગુલાબ, સેવંતી સહિતનાં વિવિધ પુષ્પો તેમ જ કેસરી પીતાંબરથી શણગાર કરવામાં આવ્યો હતો. 

જેલમાં ભાઈબહેનોનું ભાવભીનું મિલન

રક્ષાબંધનની ઉજવણી માટે ગઈ કાલે રાજકોટની સેન્ટ્રલ જેલમાં બંધ ભાઈઓના કાંડે બહેનોએ રાખડી બાંધી હતી અને એ વખતે ભાવુક દૃશ્યો રચાયાં હતાં. 

raksha bandhan narendra modi national news news