News In Short: પીએમે લોકોને કરી માસ્ક પહેરવાની અપીલ

23 December, 2022 12:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મીટિંગ બાદ વડા પ્રધાને ફરજિયાત માસ્કનો નિયમ લાગુ કરવાની વાત કહી નથી, પરંતુ લોકોને માસ્ક પહેરવાની સલાહ જરૂર આપી છે

તસવીર સૌજન્ય : પીટીઆઇ

પીએમે લોકોને કરી માસ્ક પહેરવાની અપીલ

નવી દિલ્હી: અનેક દેશોમાં કોરોનાના કેસિસ વધી રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહામારી વિરુદ્ધના જંગની સમીક્ષા કરવા ગઈ કાલે એક ઉચ્ચ સ્તરીય મીટિંગ યોજી હતી. આ મીટિંગ બાદ વડા પ્રધાને ફરજિયાત માસ્કનો નિયમ લાગુ કરવાની વાત કહી નથી, પરંતુ લોકોને માસ્ક પહેરવાની સલાહ જરૂર આપી છે. તેમણે આ મીટિંગમાં જીનોમ સીક્વન્સિંગ અને ટેસ્ટિંગ વધારવા પર ફોકસ સાથે ટ્રૅકિંગ અને ટ્રેસિંગ પર ભાર મૂક્યો હતો. રાજ્યોને ઇમર્જન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને હૉસ્પિટલોને સજ્જ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. વડા પ્રધાને વૃદ્ધો તેમ જ જેમને પહેલાંથી કોઈ ગંભીર બીમારી છે તેમને પ્રિકૉશન ડોઝ મળે એ વાત પર ભાર મૂક્યો હતો.

સરકાર ભારત જોડો યાત્રાને અટકાવવા કોરોનાનું બહાનું બતાવી રહી છે : રાહુલ

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને કોવિડ પ્રોટોકૉલનું પાલન ન થાય તો તેમની ભારત જોડો યાત્રા અટકાવવા માટે જણાવ્યું હતું. એના જવાબમાં કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની મહામારીને રોકવા માટે ઓચિંતા પગલાં લેવામાં આવી રહ્યાં છે એ વાસ્તવમાં ભારત જોડો યાત્રાને ખોરવી નાખવાનું એક કાવતરું છે. રાહુલે પણ આરોગ્ય પ્રધાનના સૂચનને બહાનું ગણાવ્યું હતું. રાહુલે કહ્યું હતું કે ‘આ યાત્રા કાશ્મીર સુધી ચાલશે. હવે તેઓ નવો આઇડિયા લઈને આવ્યા. તેમણે મને લેટર લખીને જણાવ્યું કે કોરોના આવી રહ્યો છે એટલે યાત્રા બંધ કરો. એનો અર્થ એ છે કે યાત્રાને રોકવા માટે બહાનાં બતાવવામાં આવી રહ્યાં છે. તેઓ આ દેશની શક્તિ અને સચ્ચાઈથી ડરી ગયા છે.’

મહારાષ્ટ્રને એક પણ ઇંચ જમીન નહીં અપાય, કર્ણાટક વિધાનસભામાંથી ઠરાવ પસાર

બેલગાવી : કર્ણાટક વિધાનસભાએ ગઈ કાલે મહારાષ્ટ્ર સાથેના સીમાવિવાદ બાબતે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં રાજ્યનાં હિતોનું રક્ષણ કરવાની તેમ જ એક ઇંચ પણ જમીન પાડોશી રાજ્યને નહીં આપવાની વાત કહેવામાં આવી છે. ધ્વનિ મતથી પસાર કરવામાં આવેલા આ ઠરાવમાં મહારાષ્ટ્ર દ્વારા ‘સર્જાયેલા’ સીમાવિવાદની ટીકા પણ કરવામાં આવી હતી. દરમ્યાનમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતને દેશદ્રોહી કહ્યા હતા, કેમ કે રાઉતે બુધવારે કહ્યું હતું કે જે રીતે ચીન ભારતીય પ્રદેશમાં ઘૂસ્યું એ રીતે તે કર્ણાટકમાં પ્રવેશશે. 

national news narendra modi coronavirus covid19 bharat jodo yatra rahul gandhi maharashtra karnataka