સાત મહિનામાં પાંચમી વખત મારા ભાઈને મળી રહ્યો છું...

14 February, 2024 08:55 AM IST  |  Abu dhabi | Gujarati Mid-day Correspondent

આવું કહ્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈના પ્રમુખને ગળે લગાડીને : સાથે હિન્દુ મંદિરના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ તેમનો આભાર માન્યો

વડાપ્રધાન મોદી , યુએઈના પ્રમુખ

અબુ ધાબી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુએઈના પ્રવાસે છે. તેમણે મંગળવારે યુએઈ પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષી બેઠક યોજી હતી અને એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમ મોદીએ નાહયાનને પોતાના ‘ભાઈ’ કહેતાં જણાવ્યું કે છેલ્લા સાત મહિનામાં તેઓ પાંચ વખત મળ્યા છે. યુએઈ પ્રમુખ સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે ‘ભાઈ, સૌપ્રથમ હું ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણે છેલ્લા સાત મહિનામાં પાંચ વખત મળ્યા છીએ, જે દુર્લભ છે. મને પણ અહીં સાત વખત આવવાની તક મળી છે. જે રીતે આપણે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, ભારત અને યુએઈ વચ્ચે દરેક ક્ષેત્રમાં સંયુક્ત ભાગીદારી છે.’

પીએમ મોદીએ પ્રથમ હિન્દુ મંદિરના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ યુએઈ પ્રમુખનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેમના સહયોગ વિના આ શક્ય ન બન્યું હોત. ઉલ્લેખનીય છે કે અબુ ધાબીમાં યુએઈનું પ્રથમ હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે. પીએમ મોદી આજે બીએપીએસ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે.પીએમ મોદીએ ગુજરાતની મુલાકાત લેવા બદલ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો આભાર માનતાં જણાવ્યું હતું કે ‘મારું આમંત્રણ સ્વીકારવા અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે મારા હોમ સ્ટેટ ગુજરાતમાં આવવા બદલ હું તમારો આભાર માનું છું. તમે આ ઇવેન્ટને નવી ઊંચાઈએ લઈ ગયા છો અને વિશ્વમાં એની પ્રતિષ્ઠા વધી છે.’

કોઈ ભેદભાવ નથી, ૧૦૦ વર્ષ જૂનું મંદિર પણ છે 
દુબઈ (પીટીઆઇ): અબુ ધાબીમાં નવા મંદિર માટે ઉત્સાહના વાતાવરણ વચ્ચે અહીં ૧૦૦ વર્ષથી વધુ સમયથી વસતા પરિવારે દુબઈમાં મંદિરો સાથે પોતાના અનુસંધાનની વાત દોહરાવી જણાવ્યું હતું કે અખાતના આ દેશમાં યુએઈના નાગરિક અને અન્ય દેશમાંથી અહીં આવી વસેલા નાગરિક વચ્ચે કોઈ ભેદભાવ નથી. દીપક ભાટિયા કે જેમના દાદા ઉત્તમચંદ ભાટિયા ૧૯૨૦માં દુબઈ આવ્યા હતા. તેમને યુએઈના વાઇસ પ્રસિડેન્ટ, વડા પ્રધાન અને દુબઈના શાસક શેખ રાશિદ બિન સઇદ અલ મખ્તૂમનું સાંનિધ્ય સાપડ્યું હતું. દુબઈમાં અંકલ્સ શૉપ બિલ્ડિંગ મટીરિયલ ​​​ટ્રેડિંગના મૅનેજિંગ ડિરેક્ટર ભાટિયાએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર દુબઈમાં સૌથી જૂનો ભારતીય પરિવાર છે. અખાતના દેશમાં તેઓ ચાર પેઢીથી વસે છે. ભાટિયાના જણાવ્યા અનુસાર સૌથી જૂનું મંદિર બર દુબઈમાં છે, જેને આશરે ૧૦૦ વર્ષ થયાં છે.

અબુ ધાબીનું મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ એક અજાયબી
અબુ ધાબી (પીટીઆઇ) : અબુ ધાબીમાં હિન્દુ મંદિર માટે ભારતમાંથી ગંગા અને યમુનાનું પાણી તથા રાજસ્થાનમાંથી ગુલાબી સેન્ડ સ્ટોન લાવવામાં આવ્યાં છે. આ મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ એક અજાયબી છે, કેમ કે ભારતના જુદા-જુદા વિસ્તારોમાંથી અલગ-અલગ વસ્તુઓ લાવવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે બુધવારે આ મદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.  
મંદિરના સત્તાધીશોના જણાવ્યા અનુસાર ઘાટના આકારમાં ઍમ્ફી થિયેટર બાંધવામાં આવ્યું છે કે જ્યાં ગંગા નદીનું પાણી વહેશે. વારાણસી જેવો જ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી કરીને ભાવિકો ભારતમાં છે એ પ્રકારના ઘાટની અનુભૂતિ કરી શકશે.આ મદિરનું બાંધકામ બાપ્સ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા દુબઈ–અબુ ધાબી શેખ ઝાયદ હાઇવે પાસે અલ રાહબા નજીક ૨૭ એકરમાં કરવામાં આવ્યું છે. 

national news narendra modi swaminarayan sampraday united arab emirates