રાજ્યસભા મોકૂફ રહી તો પણ મોદી તેમની જગ્યાએ બેસી રહ્યા

02 December, 2016 07:16 AM IST  | 

રાજ્યસભા મોકૂફ રહી તો પણ મોદી તેમની જગ્યાએ બેસી રહ્યા



ગઈ કાલે રાજ્યસભાની કાર્યવાહી ૧૫ મિનિટ માટે મોકૂફ રાખવામાં આવી ત્યારે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં બેસી રહ્યા હતા અને વિરોધ પક્ષ સહિતના વિવિધ રાજકીય પક્ષોના સભ્યો વડા પ્રધાન પાસે જઈને તેમની સાથે વાતો કરતા જોવા મળ્યા હતા.

નરેન્દ્ર મોદી પ્રશ્નકાળ શરૂ થવાના થોડા સમય પહેલાં બપોરે બારેક વાગ્યે ઉપલા ગૃહમાં પહોંચ્યા હતા. વડા પ્રધાનના કાર્યાલય સંબંધી સવાલોની કામગીરી ગઈ કાલે હાથ ધરાવાની હતી.

જોકે ગૃહની કાર્યવાહી ૧૫ મિનિટ માટે ૧૨.૨૯ વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી. સભામોકૂફીના એ સમય દરમ્યાન નરેન્દ્ર મોદી ગૃહમાં બેસી રહ્યા હતા. તેમની સાથે શાસક અને વિરોધ એમ બન્ને પક્ષોના સભ્યો પણ ગૃહમાં જ બેસી રહ્યા હતા.

ફિલ્મસ્ટારમાંથી રાજકારણી બનેલાં જયા બચ્ચન નરેન્દ્ર મોદી પાસે જઈને તેમની સાથે સ્નેહસભર વાતચીત કરતાં જોવા મળ્યાં હતાં. એ પછી ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમના સભ્યો અને ડાબેરી પક્ષના એક સભ્યે પણ વડા પ્રધાન સાથે વાત કરી હતી. વિખ્યાત બૉક્સર અને રાજ્યસભાનાં સભ્ય મૅરી કૉમે વડા પ્રધાન સાથે કેટલીક બાબતોની ચર્ચા કરી હતી. સભ્યો સાથેની વાતચીત દરમ્યાન વડા પ્રધાન ઘણી વાર સ્મિત કરતા જોવા મળ્યા હતા.

૧૧મા દિવસે પણ સંસદમાં કોઈ કામકાજ ન થયું

ડીમૉનેટાઇઝેશનના મુદ્દે ચર્ચા શરૂ કરી શકાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં હાજર રહેવું જોઈએ એવી માગણી વિરોધ પક્ષ સતત કરતો રહ્યો છે, પણ નરેન્દ્ર મોદી ગઈ કાલે રાજ્યસભામાં હાજર રહ્યા હોવા છતાં ઑપોઝિશનની ધમાલને કારણે સંસદની કાર્યવાહી સતત ૧૧મા દિવસે ખોરવાયેલી રહી હતી.

વડા પ્રધાને ડીમૉનેટાઇઝેશનનો વિરોધ કરતા લોકોને નિશાન બનાવતાં ઉચ્ચારણો તાજેતરમાં કર્યા હતાં. એ મુદ્દે નરેન્દ્ર મોદી પાસેથી માફીની માગણીનો નવો દાવ વિરોધ પક્ષે ખેલ્યો હતો, પણ તેમની એ માગણીને નકારી કાઢવામાં આવી હતી એટલે વિરોધ પક્ષે ગૃહમાં ધમાલ મચાવી હતી.