મોદીનું મન ઠંડું છે પણ લોહી ગરમ છે અને હવે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે

23 May, 2025 07:36 AM IST  |  Bikaner | Gujarati Mid-day Correspondent

બિકાનેરમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે પરિયોજનાનું લોકાર્પણ કરવાની સાથે હુંકાર કરતાં કહ્યું હતું કે દુનિયાએ અને દેશના દુશ્મનોએ પણ જોયું છે કે જ્યારે સિંદૂર બારુદમાં ફેરવાય છે ત્યારે શું થાય છે

ગઈ કાલે બિકાનેરમાં જાહેર સભાને સંબોધન કરતા નરેન્દ્ર મોદી.

ગઈ કાલે બિકાનેરમાં કરણી માતાનાં દર્શન કર્યા બાદ જનસંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પ્રકલ્પો અને રેલવે યોજનાની વિગતવાર વાતો કરવા ઉપરાંત પાકિસ્તાન પ્રત્યેના સરકારના વલણની પણ સ્પષ્ટતા કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે...

 બાવીસમી તારીખે થયેલા હુમલાના જવાબમાં અમે બાવીસ મિનિટમાં આતંકવાદીઓનાં ૯ સૌથી મોટાં ઠેકાણાંનો નાશ કર્યો. દુનિયાએ અને દેશના દુશ્મનોએ પણ જોયું છે કે જ્યારે સિંદૂર બારુદમાં ફેરવાય છે ત્યારે શું થાય છે.

 મેં ચુરુમાં કહ્યું હતું કે હું હવાઈ હુમલા પછી આવ્યો હતો. પછી મેં કહ્યું હતું કે હું આ ધરતી પર શપથ લઉં છું કે મારા દેશનો નાશ નહીં થવા દઉં, હું મારા દેશને ઝૂકવા નહીં દઉં. આજે રાજસ્થાનની ભૂમિ પરથી હું દેશવાસીઓને ખૂબ જ નમ્રતાથી કહેવા માગું છું, દેશના ખૂણે-ખૂણે ચાલી રહેલી તિરંગા યાત્રાઓની ભીડ વિશે હું દેશવાસીઓને કહું છું કે જે લોકો સિંદૂર સાફ કરવા નીકળ્યા હતા તેઓ ધૂળમાં ભળી ગયા છે, જેમણે ભારતનું લોહી વહેવડાવ્યું તેમણે આજે દરેક ટીપાની કિંમત ચૂકવી છે, જે લોકો વિચારતા હતા કે ભારત ચૂપ રહેશે તેઓ આજે પોતાનાં ઘરોમાં છુપાયેલા છે, જેઓ પોતાનાં શસ્ત્રો પર ગર્વ કરતા હતા તેઓ આજે કાટમાળના ઢગલા નીચે દટાયેલા છે.

ગઈ કાલે બિકાનેર જિલ્લાના દેશનોકમાં કરણી માતાના મંદિરમાં દર્શન કરતા નરેન્દ્ર મોદી.

 પાકિસ્તાન ક્યારેય ભારત સામે સીધું યુદ્ધ જીતી શકશે નહીં. જ્યારે પણ સીધી લડાઈ થાય છે ત્યારે પાકિસ્તાનને વારંવાર હારનો સામનો કરવો પડે છે. તેથી પાકિસ્તાને ભારત સામે લડવા માટે આતંકવાદને એક હથિયાર બનાવ્યું છે. આઝાદી પછી છેલ્લા ઘણા દાયકાઓથી આ ચાલી રહ્યું છે. પાકિસ્તાન પહેલાં આતંક ફેલાવતું હતું, નિર્દોષ લોકોને મારતું હતું, ભારતમાં ભયનું વાતાવરણ ઊભું કરતું હતું; પરંતુ પાકિસ્તાન એક વાત ભૂલી ગયું કે હવે ભારત માતાના સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઊભા છે. મોદીનું મન ઠંડું છે અને ઠંડું જ રહેશે, પણ મોદીનું લોહી ગરમ છે અને હવે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે. હવે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાને દરેક આતંકવાદી હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે અને આ કિંમત પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ચૂકવશે.

ગઈ કાલે બિકાનેર જિલ્લાના દેશનોકમાં નવી સાપ્તાહિક બિકાનેર-બાંદરા ટર્મિનસ ટ્રેનને લીલી ઝંડી દેખાડતા નરેન્દ્ર મોદી.

 હું જ્યારે દિલ્હીથી અહીં આવ્યો ત્યારે બિકાનેરના નાલ ઍરપોર્ટ પર ઊતર્યો. પાકિસ્તાને આ ઍરબેઝને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ આ ઍરબેઝને સહેજ પણ નુકસાન પહોંચાડી શક્યું નહીં. અહીંથી થોડે દૂર, સરહદની પેલે પાર, પાકિસ્તાનનું રહીમયાર ખાન ઍરબેઝ છે એ ફરી ક્યારે ખૂલશે એ કોઈને ખબર નથી. એ ICUમાં પડેલું છે. ભારતીય સેનાના સચોટ હુમલાથી આ ઍરબેઝનો નાશ થયો છે.

પાકિસ્તાનનું રહીમયાર ખાન ઍરબેઝ ICUમાં પડેલું છે. ભારતીય સેનાના સચોટ હુમલાથી આ ઍરબેઝનો નાશ થયો છે.

ખોખલાં ભાષણ આપવાનું બંધ કરો અને ત્રણ સવાલના જવાબ આપો : રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ ગુરુવારે સાંજે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરી હતી જેમાં લખ્યું છે, ‘મોદીજી, ખોખલાં ભાષણો આપવાનું બંધ કરો...’ એ સાથે તેમણે વડા પ્રધાનને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા અને લખ્યું હતું, ‘તમે મને ફક્ત એટલું કહો કે તમે આતંકવાદ પર પાકિસ્તાનના શબ્દો પર કેમ વિશ્વાસ કર્યો? ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતનાં હિતોનું બલિદાન કેમ આપ્યું? તમારું લોહી ફક્ત કૅમેરા સામે જ કેમ ઊકળે છે? શું તમે ભારતના સન્માન સાથે ચેડાં કર્યાં છે?’

rajasthan bikaner narendra modi india pakistan ind pak tension terror attack indian army indian air force indian navy indian government national news news