18 May, 2023 02:52 PM IST | Odisha | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે ઓરિસ્સાને (Odisha) રૂપિયા 8000 કરોડના પ્રૉજેક્ટની ભેટ આપી છે. સાથે જ પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસને પણ વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના લોકોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી રહી છે. વંદે ભારત ટ્રેન આધુનિક ભારત અને આકાંક્ષીય ભારત બન્નેનું પ્રતીક બની રહી છે.
વડાપ્રધાને કહ્યું કે આજે જ્યારે વંદે ભારત એક સ્થળેથી બીજા સ્થળ વચ્ચે પસાર થાય છે તો તેમાં ભારતની હતિ અને ભારતની પ્રગતિ જોવા મળે છે. હવે કોલકાતાથી પૂરી જવું હોય કે પૂરીથી કોલકાતા આ પ્રવાસ માત્ર સાડા છ કલાકનો થઈ ગયો છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે વિકટ વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ પોતાના વિકાસની ગતિ જાળવી રાખી છે. આની પાછળ એક મોટું કારણ છે કે આ વિકાસમાં દરેક રાજ્યની ભાગીદારી છે, દેશ દરેક રાજ્યને સાથે લઈને આગળ વધી રહ્યો છે.
પીએમએ કહ્યું કે આજનું નવું ભારત ટેક્નોલૉજી પણ પોતે બનાવે છે અને નવી સુવિધાઓને પણ ઝડપથી દેશના ખૂણે-ખૂણે પહોંચાડે છે. આ વંદે ભારત ટ્રેન ભારતે પોતાના બળે બનાવી છે. આજે ભારત પોતાના બળે જ 5જી ટેક્નોલોજી વિકસિત કરી તેને દેશના જુદાં-જુદા ક્ષેત્રમાં લઈ જઈ રહ્યું છે.
આ અવસરે તેમણે વડાપ્રધાને ઊમેર્યું કે કોરોના જેવી મહામારીની સ્વદેશી વેક્સિન તૈયાર કરીને પણ વિશ્વને ચોંકાવી દીધા હતા. આ બધા પ્રયત્નોમાં સમાન વાત એ છે કે બધી સુવિધાઓ કોઈ એક શહેર કે રાજ્ય સુધી સીમિત નથી પણ બધા પાસે ઝડરથી પહોંચી રહી છે. અમારી `વંદે ભારત ટ્રેનો` પણ હવે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દેશની દરેક સીમાને સ્પર્શે છે.
આ પણ વાંચો : થાણેમાં ગુજરાતી યુવકે ૧૭મા માળેથી કૂદકો મારીને જીવ ગુમાવ્યો
પીએમએ કહ્યું કે છેલ્લા 8-9 વર્ષોમાં ઓરિસ્સામાં રેલ પ્રૉજેક્ટના બજેટમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. 2014ના પહેલા 10 વર્ષોમાં અહીં દર વર્ષે સરેરાશ 20 કિલોમીટરની આસપાસ જ રેલ લાઈનો પાથરવામાં આવતી હતી, જ્યારે 2022-23માં અહીં 120 કિમીની આસપાસ નવી રેલ લાઈનો પાથરવામાં આવી છે.