PMએ વિડિયો કૉન્ફરન્સ દ્વારા જનઔષધિ કેન્દ્રના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

08 March, 2020 08:03 PM IST  |  Mumbai Desk

PMએ વિડિયો કૉન્ફરન્સ દ્વારા જનઔષધિ કેન્દ્રના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

નરેન્દ્ર મોદી આ મહિલા વાત સાંભળી રડી પડ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું ‘સમગ્ર વિશ્વ નમસ્તેની આદત કેળવી રહ્યું છે, જો કોઈ કારણથી આપણે આ છોડી દીધી હોય તો હાથ મિલાવવાની જગ્યાએ ફરીથી આ આદત પાડવાનો આ યોગ્ય સમય છે. હું તમને અપીલ કરું છું કે કોઈ અફવાઓ પર ધ્યાન ન આપો. જો કોઈ પણ શંકા હોય તો ડૉક્ટરની સલાહ લો.’

મોદીએ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જનઔષધિ કેન્દ્રના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. તેમણે કહ્યું કે આ દિવસ કોઈ યોજનાને સેલિબ્રેટ કરવાનો નથી પરંતુ લાખો ભારતીયો, પરિવારો સાથે જોડાવવાનો દિવસ પણ છે, જેમને આ યોજના દ્વારા રાહત મળી છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ચાર સૂત્રો પર કામ કરી રહી છે. પહેલું પ્રત્યેક નાગરિકોએ બીમારીથી કેવી રીતે બચવું જોઈએ, બીજું, જો તે બીમાર થઈ જાય તો તેને સસ્તો અને સારો ઇલાજ કેવી રીતે મળે, ત્રીજા ઇલાજ માટે આધુનિક હૉસ્પિટલ, પર્યાપ્ત તબીબ અને મેડિકલ સ્ટાફ અને ચોથું સૂત્ર છે મિશન મોડ પર કામ.

‘મેં ભગવાનને તો નથી જોયા, પરંતુ મોદીજી હું તમારામાં ભગવાન જોઉ છું.’ એક મહિલાની આ વાત સાંભળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા. જનઔષધિ દિવસ પર થયેલા કાર્યક્રમના અવસરમાં ભાવુક થયા. કાર્યક્રમમાં લકવાગ્રસ્ત મહિલાએ કહ્યું કે જનઔષધિ દવાઓના લીધે તેમની સ્થિતિ સુધરી છે અને ખર્ચ પણ ઓછો થયો છે.

કાર્યક્રમમાં દીપા શાહે આ વાત કહી. તેઓએ કહ્યું ૨૦૧૧માં મને લકવો થયો હતો, હું બોલી શકતી નહોતી. સારવાર જે ચાલી રહી હતી તે ખૂબ જ મોંઘી હતી, તેના લીધે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. પછી જનઔષધિ (જેનેરિક) દવાઓ લેવાનું શરૂ કર્યું. તેના લીધે પૈસા બચ્યા. પહેલાં દવાઓ ૫૦૦૦ની આવતી હતી, હવે ૧૫૦૦ની આવે છે. બાકી બચેલા પૈસામાં ઘર ચલાવું છું, ફળ ખાઉં છું. મહિલાએ આગળ કહ્યું કે મેં ઇશ્વરને જોયા નથી પરંતુ ઇશ્વરના રૂપમાં મોદીને જોયા છે. આમ બોલતા મહિલા રડવા લાગી. ત્યાં મોદી પણ ભાવુક થઈ ગયા.

ત્યારબાદ મોદીએ દીપાને સંબોધિત કરતાં કહ્યું કે તમે બીમારીને હરાવી છે. તમારો હોંસલો સૌથી મોટો ભગવાન છે. એ જ તમારો ભગવાન છે. તેના લીધે જ તમે આ સંકટમાંથી બહાર નીકળી શક્યાં.

ત્યારબાદ મોદીએ જેનરિક દવાઓના વખાણ કર્યા. તેમણે કહ્યું કે આ દવાઓથી દીપા ઠીક થઈ, આ પુરાવો છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર કોઈ દવાથી આ દવાઓ કંઈ કમ નથી.

national news narendra modi