26 May, 2025 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીની અશોક હોટેલમાં યોજાયેલી NDAના મુખ્ય પ્રધાનોની બેઠકમાં નરેન્દ્ર મોદી સાથે ચીફ મિનિસ્ટરો અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑપરેશન સિંદૂર પર બિનજરૂરી નિવેદનો આપીને ભારતીય જનતા પાર્ટી (BJP)ની છબિ ખરાબ કરી રહેલા નેતાઓને ખાસ સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે નેતાઓએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ અને બિનજરૂરી નિવેદનો ટાળવાં જોઈએ તથા ગમે ત્યાં ગમે એ કહેવાનું પણ ટાળવું જોઈએ. વડા પ્રધાને નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોની બેઠક દરમ્યાન BJPના નેતાઓને સૂચનાઓ આપતાં આ વાત કહી હતી. તાજેતરમાં જ હરિયાણામાં BJPના સંસદસભ્ય રામચંદ્ર જાંગડા, મધ્ય પ્રદેશમાં વિજય શાહ અને જગદીશ દેવડાએ પહલગામ હુમલા મુદ્દે નિંદનીય ટિપ્પણીઓ કરી હતી. બેઠકમાં બાવીસમી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
બે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોની બેઠક યોજાઈ હતી. એમાં ઑપરેશન સિંદૂર દરમ્યાન ભારતીય સેનાની વીરતા અને વડા પ્રધાન મોદીના સાહસી નેતૃત્વની પ્રશંસા કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સિવાય કેન્દ્ર સરકારે જાતિ વસ્તીગણતરી પર લીધેલા નિર્ણયની પ્રશંસા કરવામાં આવી છે અને એના સમર્થનમાં પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીએ બફાટ કરતા નેતાઓને સસ્પેન્ડ કરવા જોઈએ : મલ્લિકાર્જુન ખડગે
કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ‘BJPના નેતાઓ પીડિતો અને સુરક્ષા દળોને બદનામ કરવા માટે એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. BJPના નેતાઓનાં નિવેદનોએ BJP-RSSની તુચ્છ માનસિકતાને ઉજાગર કરી દીધી છે. સેનાનું અપમાન કરવામાં આવ્યું, પરંતુ મોદીજીએ કોઈ કાર્યવાહી ન કરી. નરેન્દ્ર મોદીજી, તમે કહો છો કે તમારી નસોમાં સિંદૂર છે... જો એવું હોય તો તમારે મહિલાઓના સન્માન માટે પોતાનો બફાટ કરતા નેતાઓને સસ્પેન્ડ કરવા જોઈએ.’