પહેલી જૂનથી દોડનારી ટ્રેનો માટે અઢી કલાકમાં ચાર લાખ કરતા વધુ ટિકિટો બુક

21 May, 2020 06:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પહેલી જૂનથી દોડનારી ટ્રેનો માટે અઢી કલાકમાં ચાર લાખ કરતા વધુ ટિકિટો બુક

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ના સંકટ દરમ્યાન રેલવેએ પહેલી જુનથી 200 ટ્રેનો દોડવવાની જાહેરાત કરી હતી અને આજે સવારે 10 વાગ્યાથી ટિકિટોનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. જોતજોતામાં અઢી કલાકમાં તો ચાર લાખ કરતા વધુ લોકોએ ટિકિટ બુક કરાવી હતી. હવે રેલવેએ જાહેરાત કરી છે કે આવતીકાલથી એટલે કે શુક્રવાર 22 મેથી ઓફલાઈન ટિકિટ બુકિંગની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે, ઓફલાઈન ટિકિટની સુવિધા દેશના 1.7 લાખ કૉમન સર્વિસ સેન્ટરર્સ (સીએસસી) પર ઉપલબ્ધ હશે. આ સેન્ટર્સ પર જઈને લોકો ઓફલાઈન ટિકિટ બુક કરાવી શકશે. આવનારા દિવસોમાં વધુ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. તેમજ રેલવે સ્ટેશન પર દુકાનો ખોલવાને પણ મંજુરી આપવામાં આવશે.

પહેલી જુનથી શરૂ થનારી ટ્રેનોનું બુકિંગ સવારે શરૂ થતા જ ફુલ થઈ ગયું હતું. રેલવેએ આપેલી માહિતિ મુજબ, પહેલા તબક્કાની 73 વિશેષ ટ્રેનો માટે બે કલાકમાં 1,49,025 ટિકિટો બુક થઈ હતી. જ્યારે બીજા અડધા કલાકમાં એટલે કે અઢી કલાકમાં આ આંકડો ચાર લાખને પાર કરી ગયો હતો. બધી ટ્રેનોમાં એક અઠવાડિયા માટે બુકિંગ ફુલ થઈ ગયું છે. બધી ટ્રેનોમાં વેટિંગ ટિકિટની સંખ્યા પણ 100 કરતા વધુ છે.

સવારે દસ વાગે આઈઆરસીટીસીની વેબસાઈટ શરૂ થઈ ત્યારે સાઈટ પર એરરનો મેસેજ આવતો હતો અને લોકો રોષે ભરાયા હતા. ત્યારે આઈઆરસીટીએ સ્પષ્ટતા કરવી પડી હતી કે, વૅબસાઈટ બરાબર ચાલે છે અને ટિકિટ પણ બુકિંગ થાય છે.

આ પહેલા રેલવેએ 30 જૂન સુધી બુક કરેલી બધી ટિકિટો કેન્સલ કરી દીધી હતી.

coronavirus covid19 lockdown national news piyush goyal indian railways