10 November, 2025 07:36 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
કેરલા હાઈ કોર્ટે
કેરલા હાઈ કોર્ટે તાજેતરમાં એક વચગાળાનો આદેશ આપ્યો હતો જેમાં ફિઝિયોથેરપિસ્ટ અને ઑક્યુપેશનલ થેરપિસ્ટના નામ આગળ ડૉક્ટર લખવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. આદેશ મુજબ તેમની પાસે માન્ય ગણાતું મેડિકલ ક્વૉલિફિકેશન ન હોય તો તેઓ પોતાના નામની આગળ ડૉક્ટર લખી શકશે નહીં.
ન્યાયાધીશ વી. જી. અરુણે નોંધ્યું હતું કે ઇન્ડિયન મેડિકલ ડિગ્રીઝ ઍક્ટની જોગવાઈઓ તથા ફિઝિયોથેરપી અને ઑક્યુપેશનલ થેરપીના અભ્યાસક્રમમાં સ્પષ્ટ વિરોધાભાસ છે. એથી ફિઝિયોથેરપિસ્ટ અને ઑક્યુપેશનલ થેરપિસ્ટ માન્ય મેડિકલ ક્વૉલિફિકેશન વગર તેમના નામ આગળ ડૉક્ટર લખી શકે નહીં.
ઇન્ડિયન અસોસિએશન ઑફ ફિઝિકલ મેડિસિન ઍન્ડ રીહૅબિલિટેશન દ્વારા આ વિશે અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં દલીલ કરવામાં આવી હતી કે ફિઝિયોથેરપિસ્ટ અને ઑક્યુપેશનલ થેરપિસ્ટ પોતાને ફર્સ્ટ હેલ્થ કૅર પ્રોવાઇડર્સ તરીકે ઓળખાવી ન શકે. અસોસિએશને અપીલ કરી હતી કે આ ફિઝિયોથેરપિસ્ટ અને ઑક્યુપેશનલ થેરપિસ્ટ ફક્ત ક્વૉલિફાઇડ મેડિકલ પ્રોફેશનલના હાથ નીચે સપોર્ટિંગ ગ્રુપ તરીકે કામ કરવા સુધી મર્યાદિત રહે. આ કેસની આગામી સુનાવણી પહેલી ડિસેમ્બરે થશે.