કેરળમાં સ્ફોટક સ્થિતિ સર્જી રહ્યું છે પીએફઆઇ

28 May, 2022 12:36 PM IST  |  New Delhi | Agency

પીએફઆઇની રૅલીમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓની વિરુદ્ધ બોલતો એક બાળક જોવા મળ્યો હતો, હાઈ કોર્ટના આદેશ બાદ આ રૅલીના સંબંધમાં હવે પોલીસે ૨૮ જણની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કટ્ટરતાનાં બીજ રોપીને દેશવિરોધી કૃત્યો કરનાર પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ) વધુ એક વખત વિવાદમાં છે. કેરલામાં આ સંગઠનની પ્રવૃત્તિઓ પર દેશની ઇન્વેસ્ટિગેશન એજન્સીઓની ચાંપતી નજર છે. દરમ્યાન ૨૧ મેએ કેરલાના અલપુઝા શહેરમાં યોજાયેલી પીએફઆઇની એક રૅલીમાં એક બાળક હિન્દુઓ અને ખ્રિસ્તીઓની વિરુદ્ધ ધિક્કારપૂર્ણ સૂત્રો ઉચ્ચારતો જોવા મળ્યો હતો. જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. જેના પછી છેક હવે કેરલા પોલીસે આ બાળક વિશે જાણકારી મેળવી છે.
આ બાળકની કટ્ટર ઇસ્લામિક ગ્રુપ સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાના એક અૅક્ટિવિસ્ટના દીકરા તરીકે ઓળખ થઈ છે. તપાસ અધિકારીઓ ગુરુવારે આ બાળકના ઘરે પહોંચ્યા હતા. જોકે ઘરે તાળું હતું. જે રીતે આ બાળકે હિન્દુઓને મોતની ધમકી આપી હતી એ જોતાં સ્પષ્ટ થાય છે કે પીએફઆઇ અને સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા નાનાં બાળકોના મનમાં કટ્ટરતાના બીજ રોપી રહ્યા છે.
આ બાળક આ વિડિયોમાં એમ કહેતો જોવા મળ્યો હતો કે ‘હિન્દુઓ અને ખ્રિસ્તીઓ માટે સમય પૂરો, અમે ટૂંક સમયમાં તમારા ઘરે આવીશું. હિન્દુઓ અંતિમવિધિ માટે ચોખા ખરીદી લે. યમરાજ તમારા ઘરે આવશે.’
કેરલા પોલીસના રિપોર્ટ અનુસાર રાજ્યમાં બે સમુદાયના લોકો વચ્ચે ધિક્કારની લાગણી ફેલાવવા માટે ઇરાદાપૂર્વક ઉશ્કેરણીજનક સૂત્રો બોલાયા હતા. 
કેરલા હાઈ કોર્ટે આ રૅલી યોજવા બદલ પીએફઆઇના મેમ્બર્સની વિરુદ્ધ કેસ દાખલ કરવાનો પોલીસને આદેશ આપ્યો હતો. જેના પગલે કેરલા પોલીસે અત્યાર સુધીમાં ૨૮ જણની અટકાયત કરી હતી. હવે આ રૅલી અને વિડિયોને લઈને ભારતના રાજકારણમાં એકબીજાને દોષિત ગણાવવાની રમત શરૂ થઈ ગઈ છે. 

મસ્જિદોની વિરુદ્ધ કાર્યવાહીના વિરોધની જાહેરાત

જ્ઞાનવાપી સહિત અનેક મસ્જિદોને લઈને અત્યારે કોર્ટમાં અરજીઓ કરવામાં આવી રહી છે, જેનો પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાએ વિરોધ કર્યો છે. આ સંગઠનનું કહેવું છે કે અદાલતોએ આ પ્રકારની અરજીઓને મંજૂર જ કરવાની જરૂર નહોતી. કેરલાના પુત્તનથાનીમાં ૨૩-૨૪ મેના રોજ પીએફઆઇની કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. સંગઠને જાહેર કર્યું હતું કે જ્ઞાનવાપી અને મથુરાની મસ્જિદ વિરુદ્ધની અરજીઓ ખોટી છે.

 પીએફઆઇને ડાબેરી સરકાર અને કૉન્ગ્રેસનો સપોર્ટ મળ્યો છે. આ બન્ને લઘુમતીઓના મત ગુમાવવા ન માગતા હોવાના કારણે પીએફઆઇ પ્રત્યે કૂણું વલણ દાખવે છે. પિનારાઈ વિજયનના શાસનમાં પીએફઆઇ વધુ પાવરફુલ બની છે. - વી. વી. રાજેશ, કેરલા બીજેપીના પ્રવક્તા

national news kerala