લૉકડાઉનના અંત પછી પેટ્રોલ-ડીઝલમાં પાંચ રૂપિયાનો વધારો થવાની શક્યતા

29 May, 2020 04:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનના અંત પછી પેટ્રોલ-ડીઝલમાં પાંચ રૂપિયાનો વધારો થવાની શક્યતા

પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન સમાપ્ત થયા પછી પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમત જૂનમાં પાંચ રૂપિયા સુધી વધી શકે છે. એનું કારણ એ છે કે સરકારી ઑઇલ માર્કેટિંગ કંપનીઓ લૉકડાઉન પછી ફરીથી દૈનિક ધોરણે બળતણના ભાવમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. દેશમાં કોરોના સંક્રમણ પછી લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ દૈનિક ધોરણે બદલાતા નથી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ ગયા અઠવાડિયે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને લૉકડાઉન થયા પછી દૈનિક ધોરણે બળતણના ભાવો નક્કી કરવા માટેનો એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

જોકે, એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે દૈનિક ધોરણે બદલાવ હોવા છતાં, પેટ્રોલ અને ડીઝલની કિંમતો ચોક્કસ મર્યાદાથી વધશે નહીં. આનો અર્થ એ કે બળતણના ભાવમાં દરરોજ ૨૦થી ૪૦ પૈસા અથવા એથી ઓછા વધારો થશે નહીં. કંપનીઓ થયેલા નુકસાનની ભરપાઇ નહીં કરે ત્યાં સુધી આ વધારો રહેશે. હાલમાં રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર ૭૧.૨૬ રૂપિયા અને ડીઝલ ૬૯.૩૯ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. અમદાવાદમાં પેટ્રોલ ૬૭.૧૭ રૂપિયા અને ડીઝલ ૬૪.૧૯ રૂપિયા પર વેચાઈ રહ્યું છે.

lockdown national news