પેટ્રોલ, ડીઝલ અને ગૅસ સસ્તાં: શું હવે મોંઘવારીને બાય-બાય?

22 May, 2022 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર સાડાનવ રૂપિયા, જ્યારે ડીઝલની કિંમતમાં સાત રૂપિયાનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : દેશમાં અસહ્ય મોંઘવારીથી સામાન્ય લોકોને આખરે રાહત મળશે. આજથી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર સાડાનવ રૂપિયા જ્યારે ડીઝલની કિંમતમાં સાત રૂપિયાનો ઘટાડો થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં ભારે ઘટાડાની જાહેરાત કરી હોવાના કારણે જ એ શક્ય બન્યું છે. સવાલ એ છે કે અનેક વસ્તુઓની કિંમતમાં વધારા માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કારણ હોવાનું જણાવાયું હતું. હવે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટી છે ત્યારે અન્ય વસ્તુઓની કિંમતમાં પણ ઘટાડો થશે કે નહીં. સરકાર વર્ષમાં ૧૨ સિલિન્ડર્સ માટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર ૨૦૦ રૂપિયા સબસિડી આપશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટ્વીટ કર્યું હતું કે ‘એનાથી આપણી માતાઓ અને બહેનોને મદદ મળશે.’ 
સીતારમણે જણાવ્યું હતું કે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર આઠ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં છ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાના કારણે સરકારી તિજોરીને એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. 
સીતારમણે હવે રાજ્યોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે તમામ રાજ્ય સરકારો, ખાસ કરીને એ રાજ્યો કે જ્યાં છેલ્લા રાઉન્ડ (નવેમ્બર ૨૦૨૧)માં ઘટાડો નહોતો કરવામાં આવ્યો તેઓ વેરામાં આવો જ ઘટાડો કરીને સામાન્ય માણસોને રાહત આપે.’
દિલ્હીમાં પેટ્રોલની કિંમત આજથી ૯૫.૯૧ રૂપિયા પ્રતિ લિટર રહેશે જ્યારે ડીઝલની કિંમત ૮૯.૬૭ રૂપિયા રહેશે. એક્સાઇઝમાં આ ઘટાડાની સાથે જ પેટ્રોલ પરનો સેન્ટ્રલ ટૅક્સ ઘટીને ૧૯.૯ રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ પર ઘટીને પ્રતિ લિટર ૧૫.૮ રૂપિયા થઈ જશે. 
તાજેતરમાં રાંધણ ગૅસની કિંમત પણ રેકૉર્ડ સ્તરે વધી ગઈ હતી, જેમાંથી સામાન્ય લોકોને રાહત આપવાનો પણ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો. 

national news