કાશ્મીરના લોકોએ મને હૅન્ડ ગ્રેનેડ નહીં, પ્રેમ આપ્યો છે : રાહુલ ગાંધી

31 January, 2023 10:40 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

હિમવર્ષા વચ્ચે કૉન્ગ્રેસના નેતાની ભારત જોડો યાત્રાનું થયું સમાપન : ફારુક અબદુલ્લા અને મેહબૂબા મુફ્તી સહિત વિપક્ષના અનેક નેતાઓએ આપી હાજરી

ભાઈ-બહેનની મસ્તી : શ્રીનગરમાં રાહુલ ગાંધી પર બરફ ફેંકતી બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા.

શ્રીનગર (આઇ.એ.એન.એસ.) : લગભગ ૧૩૫ દિવસ લાંબી ચાલેલી ભારત જોડો યાત્રાનો શ્રીનગરના સોનવર વિસ્તારમાં આવેલા શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં જાહેર રૅલી તથા અહીંના પાર્ટી મુખ્ય મથકે ધ્વજારોહણ સાથે અંત આવ્યો હતો. સતત થઈ રહેલી હિમવર્ષા છતાં નૅશનલ કૉન્ફરન્સના ડૉક્ટર ફારુક અબદુલ્લા, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના મેહબૂબા મુફ્તી જેવા સ્થાનિક વરિષ્ઠ નેતાઓએ પણ આ રૅલીમાં હાજરી આપી હતી. કૉન્ગ્રેસે સમાપન પ્રસંગે ૨૧ જેટલા સમાન વિચારસરણી ધરાવતા પક્ષોને હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું.જેમાં ડીએમકે કેરલા કૉન્ગ્રેસ, સીપીઆઈ, આરએસપી, જેએમએમના પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.  કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ રૅલીને સંબોધી હતી. 

રાહુલ ગાંધીએ કહ્યું કે‘કાશ્મીરમાં તેના પર હુમલો થઈ શકે છે એવી ચેતવણી આપવામાં આવી હતી. જોકે અહીંના લોકોએ હૅન્ડ ગ્રેનેડ નહીં, પરંતુ ભરપૂર પ્રેમ આપ્યો છે, આ ભારત જોડો યાત્રા મેં મારા માટે કે કૉન્ગ્રેસ માટે નથી કરી, પરંતુ યાત્રા પાછળનો મારો હેતુ દેશના પાયાનો નાશ કરતી વિચારધારા સામે અડગ ઊભા રહેવાનો છે.’ કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા ૭ સપ્ટેમ્બરે દેશના દક્ષિણ છેડેથી શરૂ થઈ ૧૨ રાજ્યો, બે કેન્દ્ર શાસિત પ્રદેશોના ૩૯૭૦ કિલોમીટરને આવરી લઈને ૩૦ જાન્યુઆરીએ શ્રીનગરમાં પૂર્ણ થઈ હતી. 

આ પણ વાંચો : ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમમાં ૨૧ પૉલિટિકલ પાર્ટીઓને આમંત્રણ, પણ ૧૨જ હાજર

ભાગલાની રાજનીતિ નહીં ચાલે : પ્રિયંકા ગાંધી-વાડ્રા

કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ ગઈ કાલે કહ્યું હતું કે શાંતિ, એકતા અને પ્રેમ જેના મૂળભૂત પાયા છે, એ ભારતમાં ભાગલાની રાજનીતિ નહીં ચાલે. રૅલીના અંતે જાહેર રૅલીને સંબોધન કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કાશ્મીર તરફ આગળ વધતાં રાહુલે મને તેમ જ મમ્મીને સંદેશો મોકલ્યો હતો કે મને એમ લાગી રહ્યું છે, જાણે કે હું ઘર તરફ આગળ વધી રહ્યો છું. યાત્રાની શરૂઆતમાં અમને શંકા હતી કે રાહુલને આવકાર મળશે કે નહીં? ભારે હિમવર્ષા છતાં લોકોએ રૅલીમાં હાજરી આપી હતી, જે સૂચિત કરે છે કે રૅલીને આવકારીને દેશના લોકોએ આશાનું કિરણ જન્માવ્યું છે.

national news rahul gandhi priyanka gandhi bharat jodo yatra congress jammu and kashmir farooq abdullah