✕

જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી માટેનું દિલ્હીમાં વધારે એક આંદોલન ફ્લૉપ

24 October, 2026 10:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પીપલ અગેઇન્સ્ટ SIR એક અઠવાડિયા પહેલાં જ બનેલું સંગઠન છે જેમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, નાગરિક સંગઠનો, વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલાં અલગ-અલગ સંગઠનો સહિતના લોકો જોડાયેલા છે. 

ગઈ કાલે દિલ્હીમાં પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેતી પોલીસ.

શુક્રવારે દિલ્હીના બંગલા સાહિબ ગુરુદ્વારાથી ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI)ની ઑફિસ તરફ એક વિરોધ-રૅલી યોજવામાં આવી હતી. આ પ્રદર્શનનું આહ્‍‍વાન પીપલ અગેઇન્સ્ટ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA) દ્વારા બોલાવવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓની મુખ્ય માગણી ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની અને SIR પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવાની હતી.
આશરે ૩ કલાક સુધી ચાલેલા આ પ્રદર્શનમાં પોલીસે રસ્તામાં જ ૧૦૦થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. સ્ટુડન્ટ વિંગની વિદ્યાર્થિનીઓએ રસ્તા પર માનવસાંકળ બનાવી હતી, પરંતુ પોલીસે તેમને પણ ખેંચીને વૅનમાં બેસાડી હતી.
પીપલ અગેઇન્સ્ટ SIR એક અઠવાડિયા પહેલાં જ બનેલું સંગઠન છે જેમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, નાગરિક સંગઠનો, વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલાં અલગ-અલગ સંગઠનો સહિતના લોકો જોડાયેલા છે. 

નેહા બોરાની અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી, પીસ બૉન્ડ ભરવા સામે કરી હતી અપીલ

પીસ બૉન્ડ ભરવા સામે સ્ટુડન્ટ નેતા અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA)ની અધ્યક્ષ નેહા બોરાએ કરેલી અપીલને દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. આમ AISAની પ્રમુખ નેહા બોરાને દિલ્હી હાઈ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. આ અપીલમાં તેણે સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ (SEM)ની એક નોટિસને પડકારી હતી, જેમાં તેને તપાસ દરમ્યાન શાંતિ જાળવી રાખવા માટે એક જામીનદાર સાથે ૧૦,૦૦૦ રૂપિયાનું વ્યક્તિગત બૉન્ડ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
આ નોટિસ ૧૬ ઑક્ટોબરે યોજાયેલા વિરોધ-પ્રદર્શનમાં નેહા બોરાએ ભાગ લીધા બાદ આપવામાં આવી હતી, જેમાં મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરવામાં આવી હતી.
ગુરુવારે દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે નેહા બોરાના વકીલ અને પોલીસની દલીલો લગભગ ૩ કલાક સુધી સાંભળ્યા બાદ અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. અરજીનો વિરોધ કરતાં દિલ્હી પોલીસે દલીલ કરી હતી કે નેહા બોરાની અરજી સાંભળવાયોગ્ય નથી.

new delhi special intensive revision sir election commission of india delhi news national news