રાહદારીઓએ કારની બારીનો કાચ તોડીને બેભાન ડ્રાઇવરને બચાવી લીધો

02 August, 2021 09:56 AM IST  |  Georgia | Gujarati Mid-day Correspondent

હાઇવે પર ધીમે-ધીમે આગળ વધતી આ કારનો ડ્રાઇવર ગૂંગળામણને કારણે કે કોઈક બીમારીને કારણે બેભાન થઈ ગયો હતો

કારની બારીનો કાચ તોડતા રાહદારીઓ

ઍટલાન્ટાના જ્યૉર્જિયામાં એક એવો બનાવ બની ગયો જેમાં કેટલાક લોકોએ એક કારની બારીનો કાચ કોઈ પ્રકારની લૂંટ ચલાવવા કે ડ્રાઇવરને મારવા નહીં, પણ ડ્રાઇવરને બચાવવા તોડ્યો હતો.

હાઇવે પર ધીમે-ધીમે આગળ વધતી આ કારનો ડ્રાઇવર ગૂંગળામણને કારણે કે કોઈક બીમારીને કારણે બેભાન થઈ ગયો હતો. તેનું માથું સ્ટિયરિંગ પર ઢળેલું હતું. રસ્તે ચાલતા કેટલાક લોકોએ કારનું એ દૃશ્ય જોઈને પહેલાં તો બૂમાબૂમ કરીને અને બીજી રીતે ડ્રાઇવરનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો. જોકે તે બેભાન હોવાની ખાતરી થતાં આ લોકોએ સૂઝબૂઝ વાપરીને બારીનો કાચ તોડ્યો હતો. જેલાની કિમ્બલ નામની મહિલા કૂદીને ટ્રેઇલર પર ચડી ગઈ હતી અને તેણે પાછળની બારીનો કાચ તોડ્યો હતો. છેવટે તેઓ ડ્રાઇવરને કારની બહાર બહાર કાઢવામાં સફળ થયા હતા. ત્યાર પછી તેમણે ઍમ્બ્યુલન્સ બોલાવી હતી. ઍમ્બ્યુલન્સ અને પૅરામેડિકલ સ્ટાફ પહોંચે ત્યાં સુધી તેને સાચવ્યો હતો. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડિયોની કમેન્ટ્સમાં નેટિઝન્સે રાહદારીઓની માનવતાને ભરપૂર બિરદાવી છે.

international news offbeat videos atlanta