ચાર કલાક પછી ગૂગલ પ્લે સ્ટોર પર દેખાવા લાગી Paytm એપ

18 September, 2020 08:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચાર કલાક પછી ગૂગલ પ્લે સ્ટોર પર દેખાવા લાગી Paytm એપ

પ્રતીકાત્મક તસવીર

ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી પેટીએમ (Paytm) ગૂગલ પ્લે સ્ટોર પરથી થોડા સમય માટે ગાયબ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરાઈ હતી. જોકે ચાર કલાક પછી એપ ફરી પ્લે સ્ટોરમાં દેખાવા લાગી છે.

ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમ રિમૂવ કરવા માટે હજી ગૂગલ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ હતી. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર)ની પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે. કારણકે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ હતી. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી છે. ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે. કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી હતી, સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી હતી. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું હતું.

પેટીએમ એપ દેશનાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપમાંથી એક છે. ગૂગલના પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ-પે સાથે પેટીએમની ટક્કર છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2019-20માં પેટીએમની રેવન્યૂ વધીને 3.629 કરોડ રૂપિયા પહોંચી હતી. તો નુક્સાનમાં 40%નો ઘટાડો નોંધાયો હતો. One97 કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે. એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર કરે છે.

national news google