પટના હાઈકોર્ટે આ મામલે બિહાર પોલીસની ઝાટકણી કાઢી: સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

04 December, 2022 03:35 PM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

એક મહિલાએ પટનાના વિજય નગર સ્થિત આગમકુઆન પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

પ્રતીકાત્મક તસવીર

પટના હાઈકોર્ટે (Patna High Court) એક મહિલાના ઘરને તોડી પાડવાના મામલાની સુનાવણી કરતાં બિહાર પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ સંદીપ કુમારે ગુસ્સામાં ટિપ્પણી કરી કે, “બિહાર પોલીસ કોનું પ્રતિનિધિત્વ કરે છે, રાજ્યનું કે ખાનગી વ્યક્તિનું? તમાશો બનાવી નાખ્યો છે, બુલડોઝરથી કોઈનું ઘર તોડી પાડવામાં આવશે? શું અહીં પણ બુલડોઝર ચાલશે?”
હકીકતે બિહારમાં એક મહિલાનું ઘર તોડવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે કોર્ટે હવે પોલીસ અધિક્ષક, સર્કલ ઑફિસર, પટના સિટી અને આગમકુઆન પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીને આગામી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટને આ કેસમાં જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. ગેરકાયદેસર રીતે મકાન તોડવામાં આવ્યું છે.

શું છે ઘર તોડવાનો સમગ્ર મામલો?

એક મહિલાએ પટનાના વિજય નગર સ્થિત આગમકુઆન પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, જમીન માફિયાઓના ઈશારે તેમના પરિવારના સભ્યો પર જમીન ખાલી કરાવવા માટે ખોટો કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમના ઘર પર બુલડોઝર ચલાવાયું હતું.

કેસની આગામી સુનાવણી 8મી ડિસેમ્બરે થશે

આ મામલો 15 ઑક્ટોબરનો છે. અરજી દાખલ કરનાર મહિલાનું નામ સહયોગ દેવી છે, જેનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. હવે આ મામલે અલગથી સુનાવણી 8મી ડિસેમ્બરે થવાની છે, જેમાં તમામ પોલીસ અધિકારીઓ રૂબરૂ હાજર રહેશે. આ કેસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જસ્ટિસ કુમારે પોલીસને પૂછ્યું, “આ શક્તિશાળી લોકો કોણ છે, જેમના માટે તમે બુલડોઝરનો ઉપયોગ કરીને કોઈનું ઘર તોડી પાડ્યું? તમે કોનું પ્રતિનિધિત્વ કરો છો?"

જવાબદાર અધિકારી મહિલાને 5 લાખ રૂપિયા આપશે

કોર્ટે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે, “શું પોલીસ સ્ટેશનને પણ જમીન વિવાદના કેસોના સમાધાનની સત્તા આપવામાં આવી છે? કોઈને કોઈ તકલીફ હોય તો શું તે પોલીસ સ્ટેશને જઈને લાંચ આપશે અને કોઈનું ઘર તોડશે? તમે કોર્ટ, સિવિલ કોર્ટ કેમ બંધ નથી કરી દેતા?” કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે જવાબદાર અધિકારી પીડિતાને 5 લાખ રૂપિયા ચૂકવે. મહિલાના વકીલનું કહેવું છે કે પોલીસે આરોપી સામે કેસ નોંધીને ભૂલ કરી છે.

આ પણ વાંચો: MCD Election 2022: મતદાર યાદીમાંથી ગુલ થયું કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું નામ

 

national news patna bihar