પટના : નીતીશ કુમારને હરાવવા માગે છે બીજેપી?

05 October, 2020 02:04 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

પટના : નીતીશ કુમારને હરાવવા માગે છે બીજેપી?

ચિરાગ પાસવાન

લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને સત્તા પરથી હટાવવા માગે છે. એનડીએમાં રહીને તેમણે નીતીશ કુમારને હરાવવા માટે કમર કસી છે. દિલ્હીમાં ગઈ કાલે લોક જનશક્તિ પાર્ટીની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે તેઓ નીતીશ કુમારની જનતા દળ યુનાઇટેડ સામે પોતાના ઉમેદવારો ઊભા રાખશે પરંતુ બીજેપી સામે પોતાના ઉમેદવારો ઊભા નહીં રાખે. બેઠક બાદ એવું પણ કહ્યું કે જીતનાર બીજેપી - એલજેપીની સરકાર બનાવશે.

જનતા દળ યુનાઇટેડના પ્રવકતા રાજીવ રંજને કહ્યું હતું કે જ્યાં સુધી બીજેપી-નીતીશ કુમાર ગઠબંધન છે, અમને બહુમત માટે કોઈ શંકા નથી. એનડીએના નેતાઓના એક વર્ગનું એવું પણ માનવું છે કે નીતીશ કુમાર સામે મહિનાઓ સુધી આક્ષેપો ચિરાગ પાસવાન બીજેપીના ટોચના નેતાઓની સંમતિથી કરતા હતા. એલજેપીએ રાજ્ય સ્તર પર વૈચારિક મતભેદનું કારણ આપતાં કહ્યું હતું કે તે બિહાર વિઝન ડૉક્યુમેન્ટને લાગુ કરવા માગે છે. બીજેપી સાથે અમારું મજબૂત ગઠબંધન છે. બિહારમાં પણ અમે આ સહયોગને ચાલુ રાખવા માગીએ છીએ. અમારા સંબંધોમાં કોઈ કડવાશ નથી.

એલજેપીનો આ નિર્ણય જેડીયુ સાથે ઘણા મહિનાઓથી ચાલતા વિવાદ બાદ આવ્યો છે. રાજ્યમાં કોરોના સામેની લડત અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતન રામ માંઝીને એનડીએમાં સામેલ કરવા જેવા મુદ્દા પર વિવાદ હતો. માંઝી દલિત નેતા છે અને પાસવાન પાસે પણ દલિત સમાજનું સમર્થન છે. એલજેપીની બેઠકમાં ચિરાગ પાસવાને રાજ્યની સત્તામાં સર્વોચ્ચ પદ મેળવવાની પોતાની મહત્વાકાંક્ષાઓને છુપાવી નહોતી. હાલ બીજેપીની આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આવી. જો પોતાને યોગ્ય સંખ્યામાં સીટ નહીં મળે તો જેડીયુ સામે ચૂંટણી લડશે. બીજેપી અત્યાર સુધી આ મામલે ચૂપ જ રહી છે. એલજેપીના જેડીયુ સામે ચૂંટણી લડવાની ઘોષણા પહેલાં જે રીતે સીટોની વહેંચણી થવાની હતી એ મુજબ જેડીયુને ૨૪૩માંથી ૧૨૨ સીટો મળશે તો બીજેપીને ૧૨૧ સીટ મળશે. બીજેપી પોતાની સીટોમાંથી એલજેપીને સીટ આપવાની હતી.

patna bihar nitish kumar bharatiya janata party