પતંજલિ આયુર્વેદને મદ્રાસ હાઈકોર્ટે ફટકાર્યો 10 લાખ રૂપિયાનો દંડ

07 August, 2020 02:53 PM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

પતંજલિ આયુર્વેદને મદ્રાસ હાઈકોર્ટે ફટકાર્યો 10 લાખ રૂપિયાનો દંડ

પતંજલિ આર્યુવેદની કોરોનિલ કીટની કિંમત 500 રૂપિયા છે

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ દ્વારા 'કોરોનિલ' બ્રાન્ડનો ઉપયોગ કરવા બદલ મદ્રાસ હાઈકોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ હાઈકોર્ટ 'કોરોનિલ' શબ્દનો ઉપયોગ બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે આ દંડ પતંજલિના એ દાવા માટે લગાવ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમનું આયુર્વેદિક સૂત્રીકરણ કોરોનિલ કોરોના વાયરસમાંથી બહાર નીકળવા માટે મદદ કરી શકે છે. આ પહેલા મદ્રાસ હાઈ કોર્ટે કોરોના વાયરસની સારવારને લઈને રજૂ કરવામાં આવેલ કોરોનિલના ટ્રેડમાર્કના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

જસ્ટિસ સીવી કાર્તિકેયને ચેન્નઈની કંપની અરૂદ્રા એન્જીનિયરિંગ લિમિટેડની અરજી પર 30 જુલાઈ સુધી આ વચગાળાનો આદેશ આપ્યો હોત. અરૂદ્રા એન્જીનિયરિંગ લિમિટેડે દાવો કર્યો હતો કે, વર્ષ 1993થી તેમની પાસે કોરોનિલ ટ્રેડમાર્ક છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, વર્ષ 1993માં 'કોરોનિલ-213 એસપીએલ' અને 'કોરોનિલ-92 બી'નું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેઓ ત્યારથી તેને રિન્યૂ કરાવી રહ્યા છે.

જ્યારે ગત બુધવારે બાબા રામદેવે દાવો કર્યો હતો કે, પતંજલિ આયુર્વેદ કોરોનિલની માગને પૂરી કરવા માટે મથી રહી છે. અત્યાર સુધી તે રોજ માત્ર એક લાખ પેકેટ જ ઉપલબ્ધ કરાવી રહી હતી. તેમણે કહ્યું હતું કે, આજે રોજ કોરોનિલના 10 લાખ પેકેટની માગ થઈ રહી છે, પરંતુ અમે માત્ર એક લાખ પેકે જ ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. પતંજલિ આયુર્વેદે કોરોનિલની કિંમત માત્ર 500 રૂપિયા રાખી છે, પરંતુ જો અમે તેની કિંમત 5000 રૂપિયા રાખી હોત તો આજે અમે સરળતાથી પાંચ હજાર કરોડ રૂપિયા કમાઈ શક્યા હોત. પરંતુ અમે એવું નથી કર્યું.

coronavirus covid19 chennai baba ramdev