પ્લેનમાં પૅસેન્જરોએ ધમાલ મચાવતાં પાઇલટે હાઇજૅક મેસેજ આપી દીધો

20 October, 2012 06:25 AM IST  | 

પ્લેનમાં પૅસેન્જરોએ ધમાલ મચાવતાં પાઇલટે હાઇજૅક મેસેજ આપી દીધો



અબુધાબીથી કોચી આવતી ઍર-ઇન્ડિયાની ફ્લાઇટમાં ગઈ કાલે પૅસેન્જરોએ ભારે ધમાલ મચાવતાં ઉશ્કેરાયેલા પાઇલટે હાઇજૅક બટન દબાવી દેતાં દોડધામ મચી ગઈ હતી. પ્લેનને અચાનક કોચીના બદલે છેલ્લી ઘડીએ તિરુવનંતપુરમ ડાઇવર્ટ કરી દેવામાં આવતાં પૅસેન્જરો ગુસ્સે થયા હતા. પાઇલટે દાવો કર્યો હતો કે કેટલાક પૅસેન્જરો કૉકપિટમાં ઘૂસી જતાં તેણે હાઇજૅક બટન દબાવ્યું હતું. ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ગઈ કાલે સાડાબાર વાગ્યે અબુધાબીથી રવાના થઈ હતી. આ ફ્લાઇટ સાડાત્રણ વાગ્યે કોચીમાં લૅન્ડ થવાની હતી, પણ અચાનક એને તિરુવનંતપુરમ ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી. પૅસેન્જરોની ધમાલને કારણે સર્જાયેલા વિવાદ બાદ નવ કલાક પછી એટલે કે બપોરે બે વાગ્યે ફ્લાઇટને કોચી મોકલવામાં આવી હતી.

વહેલી સવારે ફ્લાઇટના પાઇલટે હાઇજૅક મેસેજ મોકલતાં ઍરર્પોટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ અલર્ટ જાહેર કર્યો હતો. પાઇલટે જણાવ્યું હતું કે ફ્લાઇટના પૅસેન્જરો ધમાલ મચાવી રહ્યા હતા, જ્યારે પૅસેન્જરોએ પાઇલટ દ્વારા ગેરવર્તણૂક કરવાનો તથા ફૂડ કે પાણી નહીં આપવાનો આરોપ મૂક્યો હતો. દરમ્યાન કેરળ સરકારે આ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.