26 August, 2025 06:58 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઍર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટ્સ મોટા ભાગે તેમાં સજાતી ખામીઓને કારણે સતત ચર્ચામાં હોય છે. જોકે, તાજેતરમાં ઍર ઇન્ડિયા એક સારી બાબતને કારણે ખુબ ચર્ચામાં છે. કારણકે મેડિકલ ઇમરજન્સી દરમિયાન ઍર ઇન્ડિયાની ક્રૂએ એક સમજદારી પગલું ભર્યું છે.
નવી દિલ્હી (New Delhi)થી બેંગલુરુ (Bengaluru) જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મહિલા મુસાફરની તબિયત અચાનક બગડી ગઈ. આ પરિસ્થિતિમાં લેવાયેલા નિર્ણય બદલ વિમાનમાં હાજર ક્રૂ મેમ્બર્સ હવે પ્રશંસા પામી રહ્યા છે. તે જ વિમાનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાબતનો ઉલ્લેખ કર્યો છે.
ઍર ઇન્ડિયાની દિલ્હીથી બેંગલુરુ જતી ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરે પોસ્ટમાં જણાવ્યું હતું કે, વિમાનમાં તેની પાછળની સીટ પર બેઠેલી એક મહિલા અચાનક બીમાર પડી ગઈ. તેના નાકમાંથી સતત લોહી નીકળવા લાગ્યું. આ પછી, પાયલોટ અને ક્રૂ મેમ્બર્સ દ્વારા ઝડપી તબીબી સારવાર શરૂ કરવામાં આવી, જે પ્રશંસનીય છે.
મારિયો દા પેન્હા નામના એક મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર લખ્યું કે, આજે રાત્રે નવી દિલ્હીથી બેંગ્લોર જતી મારી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 2807 માં ખૂબ જ ચિંતાજનક તબીબી સ્થિતિ જોવા મળી. તેમણે લખ્યું કે મારી પાછળની સીટ પર બેઠેલી એક મહિલાના નાકમાંથી ભારે અને સતત લોહી નીકળવા લાગ્યું. આ વાતની જાણ થતાં જ, ફ્લાઇટ એટેન્ડન્ટે તાત્કાલિક કાર્યવાહી કરી અને પ્રારંભિક સહાય પૂરી પાડી. આ દરમિયાન, તેણીએ સર્જિકલ ગ્લોવ્ઝ પહેરીને મહિલાને મદદ કરી. કોઈક રીતે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ.
મુસાફરે એમ પણ કહ્યું કે, સર્જિકલ ગ્લોવ્ઝ સ્ટાફ દ્વારા મેડિકલ વેસ્ટ બેગમાં સરસ રીતે મૂકવામાં આવ્યા હતા. તેણે પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે, પાઇલટે થોડી ઝડપથી કાર્યવાહી કરી જેથી મહિલાને ઝડપી તબીબી સહાય મળી શકે. વિમાન બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર નિર્ધારિત સમય કરતાં ૧૬ મિનિટ વહેલું ઉતર્યું. વિમાન ત્યાં પહોંચે તે પહેલાં જ ડૉક્ટર ત્યાં હાજર હતા, જેમણે મહિલાને તાત્કાલિક મદદ પૂરી પાડી.
વિમાનમાં મુસાફરી કરી રહેલા દા પેન્હાએ આ મદદ માટે ઍર ઇન્ડિયાના ક્રૂ અને બેંગલુરુ એરપોર્ટ સ્ટાફની પ્રશંસા કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ફ્લાઇટ્સમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ઘણી ધીરજ અને કૌશલ્યની જરૂર પડે છે. જેમાંથી મોટાભાગની અવગણના કરવામાં આવે છે. જોકે, ઍર ઇન્ડિયા અને એરપોર્ટ સ્ટાફે આજની રાતની ઘટનાને જે રીતે સંભાળી તેના માટે કૃતજ્ઞતા અને આદરનો ઉલ્લેખ છે. મને આશા છે કે મહિલા જલ્દી સ્વસ્થ થઈ જશે.’
આ વાયરલ પોસ્ટ જોયા પછી લોકો ઍર ઇન્ડિયાની પ્રશંસા કરી રહ્યા છે.