સંસદમાં બે અઠવાડિયાંમાં ફક્ત ૧૮ કલાક કામ થયું

02 August, 2021 09:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કરદાતાઓના ૧૩૩ કરોડ રૂપિયા વેડફાયા

પ્રતીકાત્મક તસવીર

સંસદના ચોમાસુ સત્રમાં પેગસસ જાસૂસી કાંડને લઈને બંને ગૃહમાં હોબાળો યથાવત્ છે. આ હોબાળાના કારણે બંને ગૃહમાં સત્રનાં પહેલાં બે અઠવાડિયાંમાં ૮૫ ટકાથી વધારે કામના કલાકો બરબાદ થઈ ચૂક્યા છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં ૧૦૭ કલાકમાંથી સંસદમાં ફક્ત ૧૮ કલાક જ કાર્યવાહી ચાલી છે. પેગસસ મામલે ચર્ચા અને તપાસની વિપક્ષની માગણી પર હોબાળાના કારણે ૮૯ કલાક બરબાદ થયા છે.

આ પ્રક્રિયામાં અત્યાર સુધી ૧૩૩ કરોડ રૂપિયા બરબાદ થઈ ચૂક્યા છે. અત્યારે હોબાળો ઓછો થાય એના કોઈ અણસાર નથી. વિપક્ષ એક એવા વિષય પર ચર્ચા કરવા જીદે ચડ્યું છે જેને સરકાર મુદ્દો જ નથી માની રહી.

સરકાર કહે છે, કોવિડ-19 સંકટ જેવા મુદ્દા વધારે મહત્ત્વના છે. પેગસસ વિવાદ કાલ્પનિક અને બિનજરૂરી મુદ્દો છે. સંસદીય કાર્યપ્રધાન પ્રહલાદ જોશીએ પણ કહ્યું હતું કે વિપક્ષી દળ પેગસસ વિવાદ પર આઇટીપ્રધાન અશ્વિની વૈષ્ણવ પાસેથી વધુ જાણકારી માગી શકે છે.

લોકસભાના સંભવિત ૫૪માંથી લગભગ ૭ કલાકમાં કામ થયું છે તો રાજ્યસભામાં સંભવિત ૫૩ કલાકમાંથી ૧૧ કલાક કાર્યવાહી ચાલી છે.

લોકસભાએ અત્યાર સુધી પાંચ બિલ પસાર કર્યાં છે. આ બિલ પર ચર્ચા કરવામાં કુલ ૪૪ મિનિટનો સમય લાગ્યો. રાજ્યસભાએ આ સત્રમાં અત્યાર સુધી કુલ ૩ બિલ પસાર કર્યાં છે.

national news