ડાબેરીઓ ટસના મસ ન થતાં સતત ત્રીજા દિવસે સંસદ ઠપ

25 November, 2011 08:46 AM IST  | 

ડાબેરીઓ ટસના મસ ન થતાં સતત ત્રીજા દિવસે સંસદ ઠપ



નવી દિલ્હી: બુધવારે બ્લૅક મનીના મુદ્દે યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકાર અને મુખ્ય વિરોધપક્ષ બીજેપી વચ્ચે સમજૂતી થઈ હતી, પરંતુ મોંઘવારીના મુદ્દે ડાબેરીઓએ સભામોકૂફીની દરખાસ્તનો આગ્રહ રાખતાં સંસદનુ શિયાળુસત્ર સતત ત્રીજા દિવસે પણ ખોરવાયેલું રહ્યું હતું. નજીકના ભવિષ્યમાં સ્થિતિ સામાન્ય થાય એવાં એંધાણ નથી દેખાતાં. તેલંગણા રાજ્યની અલગ માગણીના સમર્થનમાં કૉન્ગ્રેસના સંસદસભ્યો સહિત આ વિસ્તારના બીજા સંસદસભ્યોએ પણ હોબાળો મચાવ્યો હતો. સરકારે બ્લૅક મની પર સભામોકૂફીની દરખાસ્ત સ્વીકારીને બુધવારે બીજેપી સાથે સમાધાન કર્યું હતું. જોકે ભાવવધારાના મુદ્દે સભ્યોનો પિત્તો હજી ઊકળેલો જ રહ્યો છે. લોકસભાને બે વાર અને રાજ્યસભાને ત્રણ વાર એડજોર્ન કરવી પડી હતી. બપોરે બીજેપીના નાયબ નેતા એસ. એસ. અહલુવાલિયાએ કેન્દ્રના કૃષિપ્રધાનને એક ઇસમે લાફો માર્યો એવી જાણ રાજ્યસભામાં કરી હતી. તેમણે ભારે ધમાલ-ઘોંઘાટ વચ્ચે કહ્યું હતું કે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. ડાબેરી, બીજેપી, બીએસપી (બહુજન સમાજ પાર્ટી), આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) અને બીજેડી (બીજુ જનતા દળ)ના મેમ્બરોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે મતદાન હોય એવી દરખાસ્ત હેઠળ ચર્ચા કરવાની માગણી કરી હતી. સીપીઆઇ-એમના નેતા સીતારામ યેચુરીએ કહ્યું હતું કે ડાબેરીઓ સભામોકૂફીની દરખાસ્તથી જ સંતુષ્ટ થશે. સ્પીકરે જાહેરાત કરી હતી કે નિયમ પ્રમાણે ભાવવધારાના મુદ્દે સભામોકૂફીની દરખાસ્ત સ્વીકારી ન શકાય, પરંતુ એ મુદ્દા પર ખાસ ચર્ચા સંભવ છે.

વિરોધપક્ષોની એકતામાં તડાં પડ્યાં

ડાબેરી પક્ષોએ ગઈ કાલે મુખ્ય વિરોધપક્ષ બીજેપી પર સરકાર સાથે સાઠગાંઠનો આક્ષેપ કરતાં વિરોધપક્ષોની અત્યાર સુધીની એકતા તૂટી ગઈ હતી. બીજેપીએ એવો ખુલાસો કર્યો હતો કે અમે અમારા શબ્દોનું પાલન કર્યું છે અને ડાબેરી પક્ષો ફરી ગયા છે. લોકસભાનાં વિરોધપક્ષનાં નેતા સુષમા સ્વરાજે કહ્યું હતું કે ‘બીજેપી સંસદના શિયાળુસત્રના પહેલા દિવસથી વિરોધપક્ષોની એકતા માટે અને સંસદની કાર્યવાહી બરાબર પાર ઊતરે એ માટે પ્રયાસો કરી રહી છે.  અમે કૉન્ગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે આ માટે પહેલ કરી હતી. હું બુધવારે સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલને મળી હતી અને મેં તેમને કહ્યું હતું કે ૧૫મી લોકસભામાં સરકારે એકેય સભામોકૂફીની દરખાસ્ત સ્વીકારી નથી. મેં દરખાસ્તના શબ્દો બદલવાના સરકારી પ્રસ્તાવને પણ સ્વીકાર્યો હતો. મેં ડાબેરી નેતાઓ સાથે પણ ટેલિફોન પર આ વિશે વાતચીત કરી હતી.