ઘરમાં ઘુસીને મહિલાને મારી ગોળી, મદદ ન મળી એટલે પોતે ચાલીને રીક્ષા પકડી

09 November, 2020 03:21 PM IST  |  Haryana | Gujarati Mid-day Online Correspondent

ઘરમાં ઘુસીને મહિલાને મારી ગોળી, મદદ ન મળી એટલે પોતે ચાલીને રીક્ષા પકડી

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી મહિલાની તસવીર

હરિયાણાના પાણીપત જિલ્લામાં એક દિલ દુખાવે તેવો કેસ સામે આવ્યો છે. મહિલાને તેના ઘરમાં ઘુસીને બે શખ્સે ગોળી મારી હતી. લોહીલુહાણ થયેલી મહિલાએ પાડોશીઓ પાસે મદદ માંગી પણ કોઈ મદદે આવ્યું નહોતું. અંતે મહિલા તેવી હાલતમાં 20 મિનિટ સુધી ચાલીને બસ સ્ટેન્ડ પહોંચી હતી અને પોતે જાતે હૉસ્પિટલમાં દાખલ થઈ હતી.

જિલ્લાના બપૌલીમાં બે હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને એક મહિલાને ગોળી મારી હતી. એક ગોળી મહિલાની છાતીમાં અને એક ગોળી કમરમાં વાગી હતી. દુર્ઘટના ફછી હુમલાખોરો ભાગી ગયા હતા. 35 વર્ષીય મહિલા લોહીલુહાણ હાલતમાં નીચે આવી હતી અને શેરીમાં બુમ પાડતી હતી કે તેને ગોળી વાગી છે. તેણે પડોશીઓ પાસે બસ સ્ટેન્ડ સુધી મુકી દેવા માટે મદદ માંગી પરંતુ કોઈએ તેને મદદ કરી નહીં. જ્યારે કોઈએ તેની મદદ ન કરી ત્યારે તે ઘરને તાળું મારીને, પોતે લગભગ 20 મિનિટ સુધી 350 મીટર ચાલીને બસ સ્ટેન્ડ પહોંચી. ત્યાંથી રીક્ષા કરીને 12 કિમીનો માર્ગ કાપીને પાનીપત સિવિલ હૉસ્પિટલ પહોંચી. ત્યારે પરિવારના લોકોએ તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરી. અત્યારે મહિલાની પરિસ્થિતિ નાજુક છે. આટલી હિમ્મત ભેગી કરીને મહિલા આવી હાલતમાં હૉસ્પિટલ પહોંચી એટલે ડૉક્ટરોએ પણ તેની હિમ્મતને બિરદાવી હતી.

પાણીપતની ન્યૂ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતી મહિલાના ભાઈ સંદીપે જણાવ્યું હતું કે, તેની બહેન રંજનાના લગ્ન 15 વર્ષ પહેલા બપૌલીમાં રહેતા રાજકુમાર પુત્ર મદનલાલ સાથે થયા હતા. બહેન અને તેના પતિ વચ્ચે 8 વર્ષથી અણબણ ચાલે છે. રંજનાએ તેના પતિ પર કોર્ટમાં ખર્ચ અને છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. ત્યારબાદ તેના પતિએ તેને માર માર્યો હતો અને ઘરની બહાર કાઢી મુકી હતી. કોર્ટના આદેશ પછી, રંજના લગભગ ત્રણ વર્ષથી તેના સાસરિયાના મકાનના પહેલા માળે રૂમમાં રહેતી હતી. રાજકુમાર મોબાઇલ રિચાર્જનું કામ કરતો હતો. ત્યારબાદ તે સોનીપતના તારાનગરમાં ભાડે રેહવા ગયો હતો. સંદીપનો આરોપ છે કે, રાજકુમારે બીજા લગ્ન કરી લીધા છે અને તે તેની સાથે જ રહે છે. ચાર મહિનાથી માતા-પિતા પણ તેની સાથે સોનીપતમાં રહે છે. જ્યારે પોલીસ સોનીપતમાં આવેલા રાજકુમારના ઘરે પહોંચી ત્યારે તે ઘરેથી ફરાર હતો. રંજનાની 13 વર્ષની દીકરી કરનાલમાં ભણે છે.

national news haryana