05 May, 2025 07:01 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
જ્યાં સુધી છોકરીઓની નાભિ ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહેશે
મધ્ય પ્રદેશના સિરોહીના જાણીતા કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાએ મહિલાઓની સુરક્ષાના મુદ્દે એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે તેઓ વિવાદના વમળમાં મુકાયા છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં સાત દિવસીય શિવ મહાપુરાણ કથાના બીજા દિવસે શનિવારે તેમણે મહિલા-સુરક્ષાના મુદ્દે બોલતાં કહ્યું હતું કે ‘છોકરીઓના પેટની નાભિ જ્યાં સુધી ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહી શકશે, કારણ કે આજના સમયમાં પહેરવેશને કારણે જ ગુના વધી રહ્યા છે. જો તુલસીના છોડના મૂળ દેખાવા લાગે તો તુલસીનો છોડ મરી જાય છે એમ છોકરીઓની નાભિ પણ તેમના શરીરની જડ છે, એને ઢાંકીને રાખવી જોઈએ. એ જેટલી ઢંકાયેલી રહેશે એટલી છોકરીઓ સુરક્ષિત રહેશે.’
દુનિયાની કોઈ પણ સરકાર ગુનાઓને રોકી શકે એમ નથી, એને માત્ર સારા સંસ્કાર જ રોકી શકે એમ છે એમ જણાવતાં પંડિત પ્રદીપ મિશ્રાએ કહ્યું હતું કે ‘ચંચલાદેવી પતિને દરરોજ સમજાવતી હતી કે તમે ખોટી જગ્યાએ જશો નહીં, ખોટાં કામ કરશો નહીં, ખોટું ભોજન ગ્રહણ કરશો નહીં, ખોટી દૃષ્ટિ અને ખોટા વિચાર રાખશો નહીં. આજે ભારતની દરેક સ્ત્રી પણ આ જ શીખ આપે છે, પણ આજના જમાનામાં બે ચીજો ખોટી થઈ રહી છે, એક ખોટું ભોજન અને બીજું ખોટો પહેરવેશ. મહિલાઓનો પહેરવેશ ખોટો થઈ રહ્યો છે.’
પહેલાંના જીવનમાં ચાર અવસ્થાઓ રહેતી હતી; બાળપણ, જવાની, ગૃહસ્થી અને બુઢાપો. પણ હવે માત્ર બે જ રહી છે, બાળપણ અને બુઢાપો. આજકાલનાં બાળકો મોબાઇલ પર સમય વિતાવીને જવાનીમાં કરવાનાં કામ બાળપણમાં કરે છે એટલે તેઓ બાળપણથી સીધાં બુઢાપામાં જતાં રહે છે. આથી માતા-પિતાએ તેમનાં બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર આપવાની જરૂર છે.’