પાકિસ્તાને પોત પ્રકાશ્યું: કરતારપુર કૉરિડોર માટે પાસપોર્ટ ફરજિયાત

08 November, 2019 12:22 PM IST  |  Islamabad

પાકિસ્તાને પોત પ્રકાશ્યું: કરતારપુર કૉરિડોર માટે પાસપોર્ટ ફરજિયાત

કરતારપુર કૉરિડોર

ભારતના સિખ શ્રદ્ધાળુઓને કરતારપુર આવવા માટે પાસપોર્ટની જરૂર પડશે. મીડિયાના મતે પાકિસ્તાન સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે ગઈ કાલે કહ્યું હતું કે સુરક્ષાને લઈ કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓએ પાકિસ્તાનમાં પ્રવેશ કરવા માટે પાસપોર્ટ બતાવવો ફરજિયાત છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પહેલી નવેમ્બરે કહ્યું હતું કે કરતારપુર આવનાર શ્રદ્ધાળુઓએ પાસપોર્ટની જરૂર પડશે નહીં. બસ, એક માન્યતાપ્રાપ્ત ઓળખ કાર્ડ સાથે લાવવું જરૂરી રહેશે. ત્યાર બાદ ભારતે બુધવારે પાકિસ્તાન સમક્ષ પાસપોર્ટ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું. આ અંગે હવે પાકિસ્તાન સેના તરફથી નિવેદન આવ્યું છે. ઇમરાન ખાન શનિવારે કરતારપુર કૉરિડોરનું ઉદ્ઘાટન કરશે. ઇમરાને અહીં પણ કહ્યું હતું કે શ્રદ્ધાળુઓને ૧૦ દિવસ અગાઉ કોઈ જ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર પડશે નહીં અને ગુરુનાનક દેવ જયંતીના દિવસે એટલે કે ૧૨ નવેમ્બરે શ્રદ્ધાળુઓ પાસેથી કોઈ જ ફી વસૂલ કરવામાં આવશે નહીં. અન્ય સામાન્ય દિવસોમાં ૨૦ ડૉલર (આશરે રૂપિયા ૧૪૦૦) વસૂલ કરવામાં આવશે.
અત્યાર અગાઉ ભારતીય ગુપ્તચર ખાતાને એવી માહિતી પણ મળી હતી કે જે વિસ્તારમાં કરતારપુર આવેલું છે એ જિલ્લામાં આતંકવાદી શિબિરો ધમધમી રહ્યાં છે એટલે કરતારપુર જનારા શ્રદ્ધાળુઓએ સાવધ રહેવું પડશે. બુધવારે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કરવા કહ્યું હતું કે કરતારપુર સાહિબ માટે પાસપોર્ટની જરૂરિયાત પડશે કે નહીં. જોકે ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને શ્રદ્ધાળુઓને પોતાની સાથે પાસપોર્ટ લઈ જવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના ટ્વીટે સંપૂર્ણ રીતે ભ્રમની સ્થિતિ પેદા કરી દીધી છે કે તીર્થ માટે પાસપોર્ટની જરૂરિયાત નહીં રહે, જ્યારે એમઓયુમાં આ વાતનો ઉલ્લેખ છે. ઇમરાનના ટ્વીટને ધ્યાનમાં લઈને પાકિસ્તાન તરફથી એમઓયુમાં બદલાવ કરવા માટેની કોઈ પણ રજૂઆત કરવામાં આવી નહીં. આવામાં શ્રદ્ધાળુઓને સ્પષ્ટ નથી કે તીર્થ માટે કયા દસ્તાવેજો સાથે લઈ જવા છે.

national news