પાકિસ્તાનની ચોરી પર સીનાજોરી

20 August, 2012 05:36 AM IST  | 

પાકિસ્તાનની ચોરી પર સીનાજોરી

કેન્દ્રીય ગૃહસચિવ આર. કે. સિંહે શનિવારે જાણકારી આપી હતી કે આસામમાં મુસ્લિમો પર થયેલા હુમલાને કારણે આખા દેશમાં વસતા ઉત્તર-પૂર્વના લોકો પર હુમલા કરવામાં આવશે એવી અફવાઓએ આખા દેશમાં પૂર્વોત્તરના લોકોમાં ડરની લાગણી ફેલાવી દીધી હતી એનું ષડ્યંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું.  

જોકે પાકિસ્તાન સરકારે ભારતના આ આરોપને ફગાવી દીધા છે અને આ મામલે પગલાં લેવાની ખાતરી આપવાને બદલે ભારત પાસે આ આરોપના પુરાવા માગ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે પાકિસ્તાનના ગૃહપ્રધાન રહેમાન મલિક સાથે આની ચર્ચા કરી હતી, પણ રહેમાન મલિકે આ મામલામાં સહયોગ આપવાની ખાતરી આપવાને બદલે ભારત પાસે આ મામલાનો પુરાવો માગ્યો હતો અને સામો આક્ષેપ કર્યો હતો કે ‘ભારતે આ આક્ષેપ ઘડી કાઢ્યા છે. તેણે અત્યારે આવા આરોપ કરવામાં સમય બગાડવાને બદલે દેશની આંતરિક પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’