ભારતમાં આવીને પાકિસ્તાનના ગૃહપ્રધાનની નફટાઈ

15 December, 2012 08:23 AM IST  | 

ભારતમાં આવીને પાકિસ્તાનના ગૃહપ્રધાનની નફટાઈ



સલામ નહીં, નમસ્કાર : ગઈ કાલે નવી દિલ્હી ઍરર્પોટ પર આવ્યા બાદ નમસ્કાર કરીને લોકોનું અભિવાદન ઝીલી રહેલા પાકિસ્તાનના ગૃહપ્રધાન રહેમાન મલિક. તસવીર : એએફપી

પાકિસ્તાનના ગૃહપ્રધાન રહેમાન મલિક ગઈ કાલે ભારતના ત્રણ દિવસના પ્રવાસ માટે તેમના રસાલા સાથે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. દિલ્હી ઍરર્પોટ પર પત્રકારો સાથે વાત કરતાં તેમણે ભારતીયો માટે મોહબ્બત અને અમનનો પૈગામ લાવ્યા હોવાનું કહ્યું હતું. જોકે મુંબઈમાં ૨૦૦૮ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને આતંકવાદી સંગઠન

લશ્કર-એ-તય્યબાના નેતા હાફિઝ સઈદ સામે પગલાં ભરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફરી ગોળ-ગોળ જવાબ આપતાં મલિકે કહ્યું હતું કે ‘સઈદ પ્રત્યે અમને કોઈ પ્રેમ નથી. જ્યારે પણ નક્કર પુરાવા મળશે ત્યારે અમે તેની સામે પગલાં ભરીશું.’

મલિકે એમ પણ કહ્યું હતું કે ‘જો અત્યારે મને સઈદ વિરુદ્ધ પુરાવા મળશે તો ભારત છોડતાં પહેલાં હું તેની ધરપકડનો આદેશ આપીશ.’

આતંકવાદના મુદ્દે મલિકે કહ્યું હતું કે એની પીડા અમારાથી વધુ કોઈ સમજી શકશે નહીં. તેમણે એવી ખાતરી આપી હતી કે મુંબઈના હુમલા માટે જવાબદાર આરોપીઓને સજા આપવામાં અમે કોઈ કસર બાકી નહીં રાખીએ. પત્રકારોના સવાલના જવાબ આપતાં મલિકે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બન્ને આતંકવાદનો શિકાર છે અને એને કારણે જ બન્ને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થઈ શકતા નથી. બાદમાં ગઈ કાલે સાંજે નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં મલિક તથા ભારતના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ બન્ને દેશો વચ્ચેના વીઝા કરાર કર્યા હતા.

કારગિલ હીરોના મોત વિશે મલિકનો જવાબ


કારગિલના યુદ્ધ દરમ્યાન ભારતીય સૈન્યના કૅપ્ટન સૌરભ કાલિયા પાકિસ્તાની દળોના હાથે ઝડપાઈ ગયા હતા. બાદમાં પાકિસ્તાની આર્મીએ આંતરરાષ્ટ્રીય નિયમનો ભંગ કરીને કૅપ્ટન કાલિયાને રિબાવી રિબાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા. કાલિયાના પિતાએ આ મુદ્દે પાકિસ્તાન સરકાર સામે આંતરરાષ્ટ્રીય ર્કોટમાં ટ્રાયલ માટે સુપ્રીમ ર્કોટમાં પણ અપીલ કરી છે. ગઈ કાલે જ્યારે રહેમાન મલિકને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મલિકે કૅપ્ટન કાલિયાનું મોત કેવી રીતે થયું એ વિશે અજાણ હોવાનો દાવો કર્યો હતો.