લશ્કરની ત્રણેય પાંખ અણધારી પરિસ્થિતિ માટે એકદમ સજ્જ

08 October, 2014 03:30 AM IST  | 

લશ્કરની ત્રણેય પાંખ અણધારી પરિસ્થિતિ માટે એકદમ સજ્જ




ઇસ્લામાબાદી ઊંબાડિયાથી આમઆદમી પરેશાન : સીમા પરના અજંપાથી ત્રાસેલા ભારતીયોએ ઘરવખરી તથા પરિવારજનો સાથે સલામત સ્થળે જવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ પાકિસ્તાની રૅન્જર્સ દ્વારા કરવામાં આવેલા મોર્ટારમારા તથા ગોળીબારના પુરાવા જમ્મુના અર્નિયા સેક્ટરમાંના ગામવાસીઓએ મંગળવારે દેખાડ્યા હતા (નીચે અને જમણે).


પાકિસ્તાની લશ્કરી દળોએ જમ્મુ સેક્ટરમાંની અને પૂંછ જિલ્લાની અંકુશરેખા નજીકના વિસ્તારો પરની ૪૦ સીમા-ચોકીઓ તથા ૨૫ વસાહતો પર વધુ એક વાર જોરદાર મોર્ટારમારો કર્યો હતો. પાકિસ્તાને ગઈ કાલે વધુ ત્રણ વખત કરેલા યુદ્ધવિરામના ભંગને કારણે નવ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. બીજી તરફ જમ્મુ તથા અન્ય વિસ્તારોમાં પાકિસ્તાનવિરોધી જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા.

એક અન્ય અહેવાલ અનુસાર ભારત અને પાકિસ્તાનના ડિરેક્ટરેટ જનરલ્સ ઑફ મિલિટરી ઑપરેશન્સ વચ્ચે ગઈ કાલે હૉટલાઇન પર પાંચેક મિનિટ વાત થઈ હતી. યુદ્ધવિરામના ભંગ સંબંધે બન્ને પક્ષે આ વાતચીતમાં એકમેક પર આક્ષેપો કર્યા હતા.

નવી દિલ્હી ખાતે લશ્કર, હવાઈ દળ અને નૌકાદળ એમ દેશના સંરક્ષણની ત્રણેય પાંખના વડા સંરક્ષણપ્રધાન અરુણ જેટલીને મળ્યા હતા. તેમણે સરહદ પર પ્રવતર્તી પરિસ્થિતિ બાબતે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.

સંરક્ષણ વિભાગના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મનીષ મહેતાએ જણાવ્યું હતું કે ‘પાકિસ્તાની સૈનિકોએ નાનાં શસ્ત્રો વડે પૂંછ જિલ્લામાં અંકુશરેખા નજીકના બાલનોઈ ફૉર્વર્ડ બેલ્ટમાં ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈનિકોએ એનો અસરકારક પ્રતિભાવ આપ્યો હતો. મોડે સુધી સામસામા ગોળીબાર ચાલતા રહ્યા હતા. તેમાં ભારતના પક્ષે કોઈને ઈજા થઈ નથી.’

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુના અર્નિયા ગામ પર ગઈ કાલે સવારે પાકિસ્તાની રૅન્જર્સે મોર્ટારમારો તથા ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની રૅન્જર્સે ફેંકેલી એક મોર્ટાર અર્નિયા પોલીસ-સ્ટેશનની દીવાલ નજીક ફાટતાં છ જણા ઘવાયા હતા.

સીમા સુરક્ષા દળના પ્રવક્તા વિનોદ યાદવે કહ્યું હતું કે ‘પાકિસ્તાની રૅન્જર્સ સોમવાર રાતથી આંતરરાષ્ટ્રીય સીમા પરની ભારતીય ચોકીઓ પર જોરદાર મોર્ટારમારો તથા ગોળીબાર કરતા રહ્યા હતા. તેમણે અર્નિયા, આર. એસ. પુરા, કાનાચક અને પરગ્વાલ સબ-સેક્ટર્સમાંની ૪૦ સીમા-ચોકીઓને નિશાન બનાવી હતી.’